વલસાડ: વલસાડ જિલ્લાના ભિલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2011માં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 14 વર્ષથી નાસતો ફરતો આરોપી ચન્દ્રપ્રકાશ ઉર્ફે ચંદુ લાલજી શ્રીરામ ગોંડને સેલવાસમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ “OPERATION HUNT – Hunt for Unrelenting Nationwide Tracking” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ જિલ્લાના વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી છે.
વલસાડ LCB PI ઉત્સવ બારોટના આગેવાની હેઠળની ટીમે જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કેસોમાં વોન્ટેડ આરોપીઓની યાદી તૈયાર કરી છે. ટીમ દરેક કેસનું વિશ્લેષણ કરી રહી છે.એલસીબીના પો.કો. વાલજી ચૌહાણ તથા પો.કો. પિયુષ ઠાકોરને મળેલી ચોક્કસ બાતમીના આધારે સંયુક્ત તપાસ કરવામાં આવી.આરોપી સેલવાસના વસોના ચાર રસ્તા પાસે અલ્પેશભાઈના ઘરના ત્રીજા માળે રહેતો હતો. ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
33 વર્ષીય આરોપી ચન્દ્રપ્રકાશ ઉર્ફે ચંદુ લાલજી શ્રીરામ ગોંડ મૂળ ઉત્તર પ્રદેશના છીતકપુર ગામનો રહેવાસી છે. તેની વિરુદ્ધ ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર. નં. 154/2011 હેઠળ IPC કલમ 363 અને 366 મુજબ અપહરણનો ગુનો નોંધાયેલો હતો. આરોપીની ધરપકડ બાદ તેની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે તેને ભિલાડ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા OPERATION “HUNT” અભિયાન હેઠળ, ભવિષ્યમાં પણ આવા ભાગેડુ ગુનેગારો સામે કાર્યવાહી ચાલુ રહેશે.

