વલસાડ: વલસાડ બસ સ્ટેશનથી ધરમપુર તરફ જતી સાંજની બસ અનિયમિત થતાં મુસાફરોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. સોમવારે સાંજે ધરમપુર જતી બસ પોણા બે કલાકથી વધુ મોડી આવી હતી. આના કારણે દરરોજ નોકરીથી પરત ફરતાં યાત્રીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા ઘણા દિવસોથી ધરમપુર બસ વારંવાર મોડી આવે છે અથવા સમયસર બસ ડેપો પર મૂકવામાં આવતી નથી. સોમવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. ત્રણ બસના મુસાફરો માટે માત્ર એક જ બસ મૂકવામાં આવી હતી. આથી યાત્રીઓએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.બસ સ્ટેશનના કંટ્રોલ ઓફિસ બહાર યાત્રીઓ એકત્રિત થઈ ગયા હતા. તેમણે પોતાની નારાજગી વ્યક્ત કરી અને ત્રણ બસ તાત્કાલિક મૂકવાની માંગ સાથે હોબાળો મચાવ્યો હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ કંટ્રોલરે યુવકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “હજુ એક બસ મૂકવામાં આવશે” અને આ રીતે વિરોધ શાંત કરાવવાનો પ્રયત્ન કર્યો હતો.આવી સ્થિતિ વારંવાર સર્જાતી હોવાને કારણે તંત્ર દ્વારા વ્યવસ્થામાં સુધારો કરવાની તાતી જરૂરિયાત છે.નિયમિત મુસાફરો માટે આ સમસ્યા ગંભીર બની રહી છે. બસ સેવાઓની અનિયમિતતા ઘણા લોકોના રોજિંદા જીવનને અસર કરી રહી છે.

