વલસાડ: વલસાડ તાલુકાના સરોધી ગામે કરોડો રૂપિયાની કિંમતની જમીન વેચવાના પ્રયાસનો ભાંડો ફૂટ્યો છે. આ મામલે બે આરોપીઓ વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. પ્રતિકભાઈ યજ્ઞેશભાઈ દેસાઈ નામના વેપારીએ વલસાડ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે સરોધી ગામે આવેલા સર્વે નં. 352 અને જુના સર્વે નં. 107માં આવેલ કુલ 2530 ચો.મી. એન.એ. જમીન ખોટા દસ્તાવેજો બનાવી નવસારીના આહીર પરિવારને વેચવાનો પ્રયાસ થયો હતો.

આ મામલે નિલેશ રમેશભાઈ પ્રજાપતિ અને જુબેર ઈકબાલ મેમણ તેમજ તેમના અન્ય અજાણ્યા સાથીદારો વિરુદ્ધ BNSની કલમ 318(4), 336(2)(3), 338, 340(2), 242, 61(2), 62 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીઓએ પ્રતિકભાઈ દેસાઈના ખોટા આધારકાર્ડ અને પાનકાર્ડ તૈયાર કર્યા હતા. તેઓએ પોતાને જમીનના માલિક પ્રતિકભાઈ દેસાઈ તરીકે ઓળખાણ આપી હતી. નવસારીના એક આહીર પરિવારના સભ્ય સાથે ખોટો સાટાખત બનાવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આરોપીઓએ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર ફરીયાદી પ્રતીક દેસાઈના નામે ખોટી સહી અને ફોટા સાથે સાટાખત બનાવ્યો હતો. તેઓએ આ દસ્તાવેજની નોટરી કરાવી હરીશભાઈ નાથુભાઈ આહીર (રહે. સીસોદરા, જી. નવસારી)ને જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો.વલસાડ રૂરલ PI ભાવિક જીતિયાના નેતૃત્વમાં પોલીસની ટીમે આરોપીઓ વિરુદ્ધ પુરાવાઓ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. પોલીસે પ્રતીક દેસાઈનું નિવેદન નોંધી ટેક્નિકલ સર્વેલન્સની ટીમની મદદથી આગળની તપાસ હાથ ધરી છે. અન્ય સંડોવાયેલા ઇસમોની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here