વલસાડ: વાપી-શામળાજી નેશનલ હાઈવે 56 પર વ્યારાથી વાપી સુધીના રસ્તાને 4-લેન બનાવવાનો 1600 કરોડનો પ્રોજેક્ટ સરકારે રદ્દ કર્યો છે. આ પ્રોજેક્ટ માટે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ અને તેમની ટીમે રજૂઆત કરી બજેટની મંજૂરી મેળવી હતી. પ્રોજેક્ટ રદ્દ થવાનું મુખ્ય કારણ આદિવાસી સમાજના લોકોની જમીન સંપાદન મુદ્દે ઊભો થયેલો વિરોધ છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનોએ આ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. તેમના મતે, આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકો જમીન વિહોણા થઈ જશે. ધારાસભ્ય અરવિંદ પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટ રદ્દ થવાથી આદિવાસી વિસ્તારનો આર્થિક વિકાસ રૂંધાયો છે.
શામળાજી અને મહારાષ્ટ્રને જોડતા આ મહત્વના માર્ગ પર વાહનોની વધતી સંખ્યાને કારણે રસ્તો પહોળો કરવાની માંગ વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનના આગેવાનો દ્વારા વારંવાર કરવામાં આવી હતી. તેમના મતે, 4-લેન રસ્તો બનવાથી ટ્રાફિક સમસ્યા હળવી થાત અને સ્થાનિક લોકોને જમીનની ઊંચી કિંમત મળત. બીજી તરફ, અનંત પટેલે આરોપ લગાવ્યો કે અરવિંદ પટેલને જમીન સંપાદન અંગેની વિગતો જેવી કે કેટલા કિલોમીટરની જમીન સંપાદન થવાની હતી, કેટલા વિઘા જમીનના કેટલા રૂપિયા સરકાર આપવાની હતી, અને આદિવાસીઓને કેટલા ગૂંઠા જમીનના કેટલા રૂપિયા મળવાપાત્ર હતા તેની માહિતી નથી.
અનંત પટેલે જણાવ્યું કે મોહનગઢ બચાવવા માટે રસ્તાને અન્ય દિશામાં લઈ જવાથી આદિવાસી સમાજની કિંમતી જમીન જતી હોવાથી વિરોધ કરવામાં આવ્યો હતો. સરકારે આ વિરોધને માન્ય રાખીને પ્રોજેક્ટ રદ્દ કર્યો છે, જેનાથી આદિવાસી સમાજમાં ખુશીનો માહોલ છે. પ્રોજેક્ટ રદ્દ થવાથી આ માર્ગ પર રોજ મુસાફરી કરતા સેંકડો વાહન ચાલકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડશે.

