વાપી: વાપી શહેરના હરિયા હોસ્પિટલમાં બે દિવસમાં બીજા દર્દીનું મોત થતાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.ગતરોજ એક ટ્રાન્સપોર્ટર દર્દીના મોત બાદ આજે સત્યેન્દ્ર દુબે નામના દર્દીનું સારવાર દરમિયાન નિધન થયું છે.
મૃતક સત્યેન્દ્રના પરિવારજનો અને તેમની સાથે આવેલા લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે એકત્ર થયા હતા. તેમણે હોસ્પિટલના ડોક્ટરો સામે સારવારમાં બેદરકારીના ગંભીર આક્ષેપો મૂક્યા હતા. રોષે ભરાયેલા લોકોએ ડોક્ટર રાહુલ જાદવને બહાર બોલાવવાની માંગ કરી હતી.હોસ્પિટલના સંચાલક ડોક્ટર સીન બહાર આવ્યા હતા. પરંતુ લોકોએ તેમની સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
આ દરમિયાન ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફ સાથે ધક્કામુક્કી પણ થઈ હતી.ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે. Decision News ને મળેલી માહિતી મુજબ હાલ સ્થિતિ શાંત છે. પરંતુ હોસ્પિટલની કામગીરી અને સારવાર પ્રત્યે લોકોમાં ગભરાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

