ભરૂચ: આમોદ તાલુકામાં ચોમાસાની સિઝન સારી રીતે જામી હોવા છતાં ખેડૂતો યુરિયા ખાતરની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. ખરીફ સિઝનમાં પાક વાવેતર અને વિકાસ માટે આવશ્યક ખાતર પૂરતા પ્રમાણમાં ન મળતા અનેક ગામોના ખેડૂતો પરેશાન થયા છે.આ સમસ્યાને ધ્યાનમાં રાખીને આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું હતું.

Decision News ને મળેલી માહિતી મુજબ આવેદનપત્રમાં તાત્કાલિક ધોરણે ખાતરનો પૂરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને આગેવાન કેતન મકવાણા સહિતના પ્રતિનિધિમંડળે મામલતદાર કચેરીમાં હાજર રહી ખેડૂતોની સ્થિતિ અંગે રજૂઆત કરી હતી.ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલ ખેતરોમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને પાકને ખાતર આપવાનો સમય ચાલી રહ્યો છે.

યુરિયા ખાતર ન મળવાના કારણે પાકના વિકાસમાં વિલંબ થઈ રહ્યો છે. અનેક ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો હવે પણ ખાતર ન મળે તો આખી સિઝન બરબાદ થઈ જશે.કોંગ્રેસે આપેલા આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ખાતરનો પૂરતો જથ્થો પંથકમાં પહોંચે તે માટે યોગ્ય આયોજન કરવામાં આવે. કોંગ્રેસે સરકાર સામે આ મુદ્દે ગંભીર વલણ દાખવી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અપીલ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here