સુરત: સુરતના લસકણા વિસ્તારમાં એક સામુહિક આપઘાતનો કેસ સામે આવ્યો છે. 34 વર્ષીય મહિલાએ પોતાના સાત વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને બાદમાં તે દવા પોતે પણ પી લીધી. થોડા સમય બાદ પરિવારને આ વિશે જાણ થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને માતા-પુત્રને બેભાન અવસ્થામાં જોઈ તાત્કાલિક તેમને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તબીબોએ માતાને સિવિલ હોસ્પિટલ લઈ જવા કહ્યું હતું અને બાળક તે જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મહિલાને મૃતક મહિલાના પહેલાં લગ્ન 2020માં થયા હતા. જ્યાં તેના પતિનું અકસ્માતે મૃત્યુ નિપજ્યું હતું. ત્યારબાદ તેના બીજા લગ્ન કરાવવામાં આવ્યા જ્યાં તેને સાત વર્ષનો દીકરો છે. પરંતુ, આ લગ્ન પણ સફળ ન થતા તે પોતાના પિયર આવી ગઈ હતી અને હાલ પિયરમાં પિતા સાથે રહેતી હતી. આ દરમિયાન દીકરાને તાવ આવતો હોવાથી દવાખાને લઈ જવાનું કહીને બંને માતા-પુત્ર ઘરેથી નીકળ્યા હતા.
જોકે, સાંજ પડતા બંને પરત ન ફરતા પરિજનોએ શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન મહિલા અને તેનો દીકરો પાસોદરા રોડ ખાતે મામા દેવના મંદિર પાસે મળી આવ્યા. જ્યાં મહિલા બેભાન અવસ્થામાં મળી હતી અને દીકરો તેની બાજુંમાં બેઠો હતો. મહિલાની આ સ્થિતિ જોઇ તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી. જોકે, આ દરમિયાન દીકરાને પણ ઉલટી થવા લાગતા તેને પણ હોસ્પિટલ લઈ જવાયો. હોસ્પિટલમાં બાળકે જણાવ્યું કે, તેની માતાએ તેને ઝેરી દવા પીવડાવી પોતે પણ પી લીધી હતી. બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ તબીબોએ માતાને સિવિલ લઈ જવા કહ્યું.
જોકે, સિવિલમાં મહિલાનું મોત નિપજ્યું હતું. મહિલાએ આ પગલું કેમ લીધું તે વિશેનું કોઈ નક્કર કારણ સામે આવ્યું નથી. હાલ, આ મામલે લસકાણા પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. તેમજ પોલીસ બાળક અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે. આ સિવાય ઘરે તેમજ અન્ય કોઈ જગ્યાએ સ્યુસાઇડ નોટ છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

