નવસારી: નવસારી જિલ્લામાં ગામ અને શહેરી વિસ્તારમાં જુલાઈ માસ અંતર્ગત મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે ઘરે ઘરે ફરી સર્વે તથા મેલેરિયા-ડેંગ્યુ સર્વેલન્સ, એન્ટીલાર્વલ, ફોગીંગ, ટાયરો, કેરબા, પીપડા તેમજ નકામા બિનવપરાશી કાટમાળનો નિકાલ, આરોગ્યલક્ષી જનજાગૃતિ અર્થે વિવિધ કામગીરી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી હતી.જુલાઈ માસમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય કર્મીઓ દ્વારા 440523 ઘરોનો સર્વે કરી 12,89904 પાત્રો ચેક કરાયા છે, જેમાંથી કુલ 2554 પોઝિટિવ પાત્રો તથા 431418 પાત્રોમાં અબેટ ટ્રીટમેન્ટની કામગીરી કરાઇ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ જિલ્લામાં અર્બન વિસ્તારમાં મુકાયેલ 9 વેકટર કંટ્રોલ ટીમના 45 સભ્યો દ્વારા અર્બન વિસ્તારમાં એંટીલાર્વલ કામગીરી જેમાં ટેમીફોસ, ડાઇફલુબેંઝુરોન છંટકાવ, ઓઇલ બોલ, સોર્સ રીડકશનની કામગીરી કરાઇ રહી છે.જુલાઇ માસમાં તારીખ 5થી 10 દરમિયાન બાયોલોજીકલ ગપ્પી ફીશ ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી હતી. જેમાં જિલ્લામાં આવેલ તળાવ, પડતર કૂવા, ખાડા-ખાબોચીયા, હવાડા સહિત અન્ય સ્થળો મળી 1194 સ્થળમાં 21162 ગપ્પી ફીશ મુકવામાં આવી છે.
લોકોને ચાલુ વર્ષની ડેન્ગ્યુ થીમ ‘ડેન્ગ્યુને હરાવવા માટે આપના ઘરના પાણીના ભરેલા પાત્રો તપાસો, તેની સફાઇ કરો અને પાત્રો ઢાંકીને રાખો’નો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.આ સાથે નાગરીકો દ્વારા દર રવિવારે સવારે 10 વાગ્યે 10 મિનિટનો સમય પોતાના માટે આપે અને પોતાના ઘરમાં તથા ઘરની આસપાસના 10 મીટર વિસ્તારમાં તમામ પાત્રો કે પાણીના વાસણોની સફાઈ કરો તથા નકામી/બિનજરૂરી ચીજ-વસ્તુનો નિકાલ કરવા અનુરોધ કરાયો છે.

