ખેરગામ: તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટનો સાંસદમા ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ રજૂ થતાં સ્થાનિક આદિવાસીઓમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહેલ હોવાથી વિશાળ જનહિત માટે સ્પષ્ટતા મેળવવા આદિવાસી યુથલીડર ડો.નિરવ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
પત્રમાં લખ્યું છે કે વર્ષ 2022 માં તાપી પાર નર્મદા લિંક યોજનાની જાહેરાત થતાં વલસાડ-ડાંગ-નવસારી જિલ્લામાં ભારે ભડકો થયો હતો અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા હતાં અને હજારો આદિવાસીઓએ એકજુથ થઈને આ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કર્યો હતો. હાલમાં ફરીથી એ પ્રોજેક્ટનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ સાંસદ ભવનમાં રજુ કરવામાં આવી ચુક્યો છે તેના લીધે સ્થાનિક આદિવાસીઓમાં અસમંજસ અને જમીન છીનવાય જવાનાં ભયની લાગણીઓ પ્રસરી છે.
આ બાબતે મીડિયા સાથે ડો.નિરવ ભૂલાભાઈ પટેલે વાત કરતા જણાવ્યું હતું કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યોજનાથી વલસાડ,નવસારી અને ડાંગના 61 જેટલાં ગામોને અસર થશે જેના લીધે 15 હજાર મકાનો તુટશે તેમજ અંદાજિત 50-55 હજાર લોકોએ વિસ્થાપિત થવું પડશે અને અંદાજિત 35 હજાર હેકટર જમીન છીનવાય જશે એવી વ્યાપક ચર્ચાઓ લોકજીભે ચાલી રહી છે. ભૂતકાળમાં લોકઆક્રોશનો જ્વાળામુખી ઠારવા વર્ષ 2022 માં પ્રેસ કોન્ફરન્સ કરીને આપશ્રીએ જ આ પ્રોજેક્ટ રદ કરવાની જાહેરાત કરી હતી.
વલસાડ-ડાંગ સાંસદશ્રી ધવલભાઈ પટેલે પણ એક ઇન્ટરવ્યૂમા જણાવેલ કે આદિવાસી વિસ્તારોની જળ-જંગલ-જમીનને નુકસાન થાય એવો એકપણ પ્રોજેક્ટ અમે લાવીશું નહીં. આથી લોકોએ આપશ્રીની વાત સાંભળીને 3 વર્ષ પહેલા આપશ્રીની વાત પર વિશ્વાસ રાખીને રાહતનો શ્વાસ લીધેલ પરંતુ 3 વર્ષ પછી ફરીથી આજ ભૂત ફરીથી ધુણતા આ 3 જિલ્લાના લોકો છેતરાયાની લાગણી અનુભવી રહ્યા છે અને આપશ્રી પર પ્રશ્નાર્થ ઉઠાવી રહ્યા છે કે એકબાજુ મુખ્યમંત્રીશ્રી જ વચન આપીને પ્રોજેક્ટ બંધ થયાની જાહેરાત કરે છે અને હવે ફરીથી આ જ પ્રોજેક્ટ શરુ થાય છે તો હવે મુખ્યમંત્રીશ્રીની બાંહેધારીઓ પર પણ ભરોષો મૂકી શકાય એમ નથી રહ્યું એ પ્રકારની લોકજીભે વ્યાપક ચર્ચાનો દોર શરુ થયો છે.
આપની છાપ સામાન્ય માણસોમા હંમેશા સરળ, સન્માનનીય અને મૃદુભાષી અને સત્યને વળગી રહેનારા તરીકેની રહી છે. પરંતુ આ બાબતે આપની વિશ્વાસનિયતા પર પણ લોકો સંદેહ કરતા થઈ ગયા છે. જો આ પ્રોજેક્ટ શરુ થશે તો સરકારે ફરીથી પ્રચંડ જનવિરોધનો સામનો કરવો પડશે એ હકીકત સરકારે ધ્યાને લેવી પડશે કારણકે લોકોનું એક સૂત્ર છે કે “જાન દેંગે પર જમીન નહીં દેંગે“. તો આપ સાહેબને આ બાબતે હકીકત શુ છે અને ખરેખર આ પ્રોજેક્ટ ફરીથી શરુ થઇ રહ્યો છે કે માત્ર અફવાઓ જ છે ? અને ખરેખર જો શરુ થઇ રહ્યો હોય તો સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર 61 ગામો અને 50-55 હજાર જેટલાં લોકો વિસ્થાપિત થવાની વાતો સાચી છે કે ખોટી છે તેની સ્પષ્ટતા રાજયના સમાહર્તા વડા તરીકે રૈયતના વિશાળ લોકહિત માટે કરશો એવી અપેક્ષા.
આશા રાખું છું કે આ બાબતે આપસાહેબ હજારો ગરીબ આદિવાસી લોકોને નુકસાન નહિ થાય એવો નિર્ણય લેશો અને આ પ્રોજેક્ટનો અત્યારસુધી માત્ર અને માત્ર પ્રચંડ વિરોધ જ થયો હોવાથી ફરીથી શરુ જ નહીં થવા દેશો તેમજ સ્થાનિક લોકોના પીવાના પાણીની સમસ્યા દૂર કરવા કોઈપણ સ્થાનિકોનું વિસ્થાપન નહીં થાય તેમજ કોઈની જમીન નહીં જાય એ રીતે યોગ્ય પ્રોજેક્ટ બનાવી હજારો લોકોની વેદના દૂર કરવાના પ્રયાસો કરશો એવી અમારી માંગ છે.

