સુરતઃ મળસ્કે ચાર વાગ્યે એકતરફી પ્રેમમાં પાગલ એવો સનકી સતીષ રમેશ યાદવ ચપ્પુ લઈને ધાબા પર ધસી ગયો હતો અને ધાબા પર નીંદર માણી રહેલી વંદનાને નિશાન બનાવી તેના પેટમાં ચપ્પુનો જોરદાર ઘા મારી દીધો હતો જેના કારણે તેણીના આંતરડા બહાર આવી ગયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ વંદનાની ચીસોના કારણે જાગી ગયેલા તેના ભાઈ શિવમને જોતા જ સતીષે તેના પર પણ આડેધડ હુમલો કરતાં શિવમને ગળેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંને ભાઈ-બહેનની ચીસો સાંભળી ધાબા પર દોડી ગયેલા હરીશચંદ્ર અને તેમના પત્નીને જોઈને પાગલ બની ગયેલા સતીષે યુવતીના પિતા હરીશચંદ્ર પર પણ ચપ્પુથી હુમલો કરી તેઓને ધાયલ કરી નાંખ્યા હતા. સમગ્ર પરિવારની થીસો સાંભળીને ભેગા થઈ ગયેલા સ્થાનિકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. તમામે સતીષ ત્યાંથી ભાગે તે પહેલા જ તેને પકડીને બરાબરનો મેથીપાક આપ્યો હતો.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ તમામ ઘાયલોને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઘાયલોની સારવાર ચાલુ છે પરંતુ વંદનાને ખૂબ ગંભીર ઈજા પહોંચી હોવાથી તબીબોએ તત્કાળ ઓપરેશન હાથ ધર્યું હતું. તેણીની હાલત હજી નાજુક બતાવાઈ રહી છે જેને આઈસીયુમાં દાખલ કરવામાં આવી છે.

