અંકલેશ્વર: અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ફરી એકવાર ભયાવહ ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ. વડોદરાથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો હતો, જેના કારણે વાહનચાલકોને બે કલાકથી પણ વધુ સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડયું હતું. આ ટ્રાફિકજામના રાત્રિના સમયે લેવાયેલા આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.રાત્રિના સમયે સર્જાયેલા ટ્રાફિકજામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે.
આજે સવારે પણ ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત રહી હતી. અંકલેશ્વર નજીક આ હાઈવે પર સમયાંતરે ટ્રાફિકજામની સમસ્યા સર્જાતી રહે છે.અંકલેશ્વર નજીકનો આ હાઈવેનો પટ્ટો સમયાંતરે ટ્રાફિકજામની સમસ્યાથી પીડાઈ રહ્યો છે. આ વારંવાર સર્જાતા ટ્રાફિકજામ પાછળ મુખ્યત્વે હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરનો સાંકડો બ્રિજ જવાબદાર હોવાનું મનાય છે. આ સાંકડા પુલને કારણે વાહનોની ગતિ ધીમી પડે છે અને તેનો ભરાવો થતા ટ્રાફિકજામ સર્જાય છે.
કેટલાક વાહનચાલકોએ તો 2 થી 3 કલાક સુધી સતત જામમાં ફસાવવાનો કડવો અનુભવ કર્યો હતો.આ રોજબરોજની સમસ્યાને કારણે અંકલેશ્વર-દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા હજારો વાહનચાલકો અને મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે અને ત્રાહિમામ પોકારી ઉઠયા છે. લોકો સમય અને બળતણના મોટા પાયે બગાડથી કંટાળી ગયા છે.
વાહનચાલકો અને સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરવામાં આવી છે કે, આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. તેમની મુખ્ય માંગણીઓમાં હાઈવેના બિસ્માર માર્ગનું તાત્કાલિક સમારકામ અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને તેને પહોળો કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. જો તાત્કાલિક ધોરણે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો, ઉદ્યોગો અને સ્થાનિક વસ્તી બંનેને ભારે નુકસાન વેઠવું પડી શકે છે.

