વલસાડ: વલસાડ શહેરના ગુંદલાવ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સૂરજ પ્રકાશ ચવાન સાથે શેર માર્કેટમાં રોકાણના નામે 17.50 લાખની છેતરપિંડી થઈ છે. વલસાડ સીટી પોલીસ મથકે આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદી સૂરજ ચવાનને તેમના મિત્ર હાર્દિક વર્તક દ્વારા આરોપી ગોવિંદ દુબે સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી.
ગોવિંદે દેવાશિષભાઈ ભરતભાઈ વળવી સાથે મળીને ‘ADWISE INVESTMENT’ અને ‘ADWISE ENTERPRISE’ નામની ઇન્વેસ્ટમેન્ટ કંપની ચલાવતા હોવાનું જણાવ્યું હતું.આરોપીઓએ સૂરજને દર મહિને 3 થી 5 ટકા વળતર આપવાનો વાયદો કર્યો હતો. શરૂઆતમાં થોડી રકમનું વળતર આપી વિશ્વાસ મેળવ્યા બાદ આરોપીઓએ ચૂકવણી બંધ કરી દીધી. આમ કુલ રૂ.17,50,393/- પરત ન આપી છેતરપિંડી કરી હતી.
આરોપીઓએ કંપનીનું કાર્યાલય શોપ નં. 1, 2, બીજા માળે, વસંત બ્લેઝ, ધરમપુર રોડ, અબ્રામા, વલસાડમાં હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીના આરોપ મુજબ, બંને શખ્સોએ સાથે મળીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે. વલસાડ સીટી પોલીસ આ મામલે ભારતીય દંડ સંહિતાની લગતી કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ પ્રકારની ઊંચા વળતરની લાલચ આપતી સ્કીમોથી સાવચેત રહેવા પોલીસે લોકોને અપીલ કરી છે.

