અમદાવાદ: છેલ્લાં ઘણાં દિવસોથી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં બનાવવામાં આવેલી સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં ભારે પાણી ભરાયા હોવાના કારણે વિધાર્થિનીઓને ભારે મુશ્કેલી નડી રહી છે. વિધાર્થીનીઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સાંભળતું નથી.
Decision News સાથે વાત કરતાં આ મુદ્દે એક વિધાર્થીની જણાવે છે કે હાલમાં યુનિવર્સિટીની સમરસ ગર્લ્સ હોસ્ટેલની આસપાસ હાલમાં ચોમાસાના કારણે પાણી ભરાવવાના કારણે નર્કાગાર જેવી સ્થિતિ ઉભી થઇ છે. હોસ્ટેલમાં મોટી સંખ્યામાં વિધાર્થિનીઓ રહેતી હોવાથી તેઓએ દરરોજ આ ગંદા પાણીમાંથી જ પસાર થવું પડે છે. દર ચોમાસાની શરૂવાત થાય ત્યારથી ખતમ થાય ત્યાં સુધી આ જ સ્થિતિ જોવા મળે છે. આ સ્થિતિ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી.
યુનિવર્સિટીમાં ફરિયાદ કરીએ કહેવામાં આવે છે કે અમારી પ્રોપર્ટીમાં સમરસ હોસ્ટેલનો સમાવેશ થતો નથી. સમરસ હોસ્ટેલના સંચાલકો જણાવે છે યુનિવર્સિટીનું પાણી સમરસ પાસે આવતું હોવાથી ગટર બેક મારે છે. આ સમસ્યાની એક બીજા પર ખો પર ખો આપતા રહે છે સત્તાધીશો.. હવે આગામી દિવસોમાં ગંદા પાણી હટાવવા માટે વિધાર્થીનીઓએ આંદોલનનો રસ્તો અપનાવો પડશે એવું લાગે છે.

