વલસાડ: વલસાડ જિલ્લાના વાપી શહેરના ગીતા નગર વિસ્તારમાં રાત્રિના સમયે બાઈક ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં શંકાસ્પદ યુવકનો ચહેરો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર, શંકાસ્પદ યુવક રાત્રે અંધારાનો લાભ લઈ ગલીઓમાંથી પસાર થયો હતો. તેણે એક ઘરની બહાર પાર્ક કરેલી બાઈકનું લોક તોડવાનો પ્રયાસ કર્યો હતો. લોક ન તૂટી શકતાં અને આસપાસ કોઈ જાગી જવાની આશંકાથી તે સ્થળ પરથી ભાગી ગયો હતો.ઘટનાનો વીડિયો બહાર આવતા આસપાસના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. સ્થાનિકોનું માનવું છે કે ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે.

શહેરી વિસ્તારોમાં સુરક્ષાની વધુ જરૂરિયાત ઉભી થઈ છે. વાપી ટાઉન વિસ્તારમાં થતા નાઈટ પેટ્રોલિંગ સામે પણ પ્રશ્નો ઉઠયા છે.ઘટનાને પગલે રહેવાસીઓએ પોલીસ તંત્રને સુરક્ષા વ્યવસ્થા કડક કરવા માટે રજૂઆત કરી છે. તેઓએ ચોરીના ગુનાઓ સામે કડક પગલા લેવાની માંગ કરી છે. વાપી પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરી રહી છે અને વધુ તપાસ શરૂ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here