છોટા ઉદેપુર: છોટા ઉદેપુરના સનાડા ગામમાં ભારે વરસાદને કારણે મકાનનો એક ભાગ તૂટી પડતાં એક વૃદ્ધનું મોત નીપજ્યું છે. ગામના ડુંગરી ફળિયામાં રહેતા ગફુરભાઈ આપસિંગભાઇ રાઠવા રાત્રે પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા.
રાત્રિના લગભગ 11.30 વાગ્યાના અરસામાં અચાનક મકાનનો એક ભાગ તૂટીને ગફૂરભાઈ ઉપર પડયો હતો. આ દુર્ઘટનામાં તેઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ ચાલી રહ્યો છે.
આ કારણે કાચા મકાન તથા જર્જરિત થયેલા મકાન પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.ગઈકાલે સંખેડામાં પણ મકાન પડવાની ઘટના બની હતી. હવે સનાડા ગામમાં પણ મકાન પડવાની ઘટના સામે આવતા લોકોમાં ભય ફેલાયો છે. સતત વરસાદને કારણે જર્જરિત મકાનો માટે જોખમ વધી ગયું છે.

