ધરમપુર: ગુજરાત અને મહારાષ્ટ્રની નદીઓને જોડતી પાર-તાપી-નર્મદા રીવર લિંક યોજનાને રદ કરવાની રાજ્ય સરકારે મે-2022માં જાહેરાત કરી હોવા છતાં કેન્દ્રના જળ શક્તિ મંત્રાલય દ્વારા યોજના હજુ ચાલુ હોય તે રીતે લોકસભામાં જવાબ અપાયો છે.
પાર-તાપી-નર્મદા રીવર લિંક યોજના વિસ્તારોમાં પાણીની કમી હોય તેવા વિસ્તારને બારમાસી પીવાનું, સિંચાઇનું અને ઉધોગો માટેનું પાણી મળી રહે તે માટે નદીઓને જોડવાની કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પરિયોજના છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાય દ્વારા યોજનાનો ઉગ્ર વિરોધ કરાતા માર્ચ-2022માં આ પ્રોજેક્ટને સ્થગિત કરાયો હતો. તે પછી મે-2022માં પ્રોજેક્ટને કાયમી રીતે રદ કરી દેવામાં આવ્યો હોવાની જાહેરાત પણ સરકારના મોવડીઓએ કરી હતી.
સરકારે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આદિવાસી વર્ગની માગણીને ધ્યાનમાં રાખીને કાયમી ધોરણે આ યોજના રદ કરી દેવામાં આવી છે. જો કે 24-7-2025 એ લોકસભામાં નદીઓને જોડવાની યોજના અંગેના એક સવાલના જવાબમાં જળ સંસાધન મંત્રાલય દ્વારા પાર-તાપી-નર્મદા લિંકનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ પૂર્ણ થઇ ગયો છે તેમ કહીને તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેના કારણે જાણકાર વર્તુળોમાં આશ્ચર્ય ફેલાયું હતું.
આદિવાસી વિસ્તારોમાં હાલમાં ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે કે સરકારના પ્રતિનિધિઓ આપણને ઉલ્લુ બનાવી રહ્યા છે અને પાર-તાપી-નર્મદા રીવર લિંક યોજના આપણાં વિસ્તારોમાંથી રદ થઈ નથી. આપણે વિસ્થાપિત થવાનો વારો આવવાનો જ છે.. આપણા જંગલો આપણી જમીનો ડૂબમાં જશે, આપણે આપણી જન્મભૂમિ છોડીને બીજે વિસ્થાપિત થઈ જશું, આપણાં બાળકોનું ભવિષ્યનું શું થશે.. કોણ સાથ આપશે ? શું સત્તા પક્ષના કે વિપક્ષના આદિવાસી નેતા આમારી પડખે ઊભા રહશે ખરા ? સરકાર અમને શાંતિથી જીવવા કેમ નાથી દેતી.. શું બગાડ્યું છે અમે આ સરકારનું, નેતાઓનું ? શું એમને ઘરે ખાવાનું માંગવા જઈએ છીએ ? અમે ચટણી અને સૂકો રોટલો ખાઈ જીવીએ છીએ તો અમને જીવવા દો ને ? શું કરવા અમને વિસ્થાપિત કરવા માટે નવા નવા પ્રોજેકટો લાવ્યા કરો છો ? હદ કરી નાખી છે આ સરકારે તો.. વગેરે ચિંતાજનક સવાલો હાલમાં ધરમપુર વિસ્તારના ગામડાઓમાં Decision News આગળ આદિવાસી સમાજના લોકો મૂકી રહ્યા હતા. ( ફિલ્ડવર્ક દરમિયાન લોકો સાથે વાતચીત..) વધુ લોકો સાથે વાતચીત ચાલુ છે…

