નવસારી: નવસારી જિલ્લામાં રાજ્યના હવામાન વિભાગની આગાહી અનુસાર મોડી રાત્રે સારો વરસાદ નોંધાયો છે. નવસારી શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.નવસારી શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. શહેરના તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસતા મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જયશંકર પાર્ટી પ્લોટથી ધર્મીન નગર જતા માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી.
છેલ્લા 24 કલાક દરમિયાન નવસારી જિલ્લામાં નોંધાયેલો વરસાદ વાંસદામાં સૌથી વધુ 2.98 ઇંચ વરસાદ નોંધાયો છે. Decision News ને મળેલી માહિતી મુજબ ગણદેવી તાલુકામાં 1.71 ઇંચ, નવસારીમાં 1.47 ઇંચ, ખેરગામમાં 1.18 ઇંચ, જલાલપોરમાં 0.94 ઇંચ અને ચીખલીમાં 0.73 ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં આવેલી પૂર્ણા નદીની સપાટી 14 ફૂટ, અંબિકા નદીની સપાટી 17.54 ફૂટ અને કાવેરી નદીની સપાટી 10 ફૂટ નોંધાઈ છે.
જિલ્લામાં આવેલા ડેમોની સ્થિતિ જોઈએ તો, જૂન ડેમ 167.60 ફૂટ અને કેલીયા ડેમ 113.50 ફૂટ સપાટી સાથે બંને ઓવરફ્લો થઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

