વલસાડ: સોશિયલ મીડિયામાં વાઈરલ થવાની ચકરમાં યુવાનો જોખમી સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. વલસાડ જિલ્લાના પારડી હાઇવે પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ત્રણ યુવકોએ ચાલુ કારના સનરૂફ પર બેસીને પોતાના જીવને જોખમમાં મૂક્યો હતો.આ ઘટના નેશનલ હાઇવે 48 પર બની હતી. કાર નંબર GJ-16-DK-3838 હતો. પાછળથી આવી રહેલા એક જાગૃત નાગરિકે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો.
આ વીડિયો પારડી પોલીસ અને સોશ્યલ મીડિયા પર વાઈરલ કરવામાં આવ્યો છે.Decision News ને મળેલી માહિતી મુજબ વીડિયો વાઈરલ થતાં લોકોએ આ યુવકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા આ યુવકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લોકોએ અવાજ ઉઠાવ્યો છે.વલસાડ જિલ્લા પોલીસ દ્વારા વારંવાર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
આમ છતાં, ખાસ કરીને બહારથી આવતા વાહન ચાલકો દ્વારા નિયમોનો ભંગ થતો રહે છે. વલસાડ જિલ્લા પોલીસની એક ટીમ આવા નિયમભંગ કરનારા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.સોશિયલ મીડિયા પર ફેમસ થવાની દોડમાં યુવાનો આવા જોખમી સ્ટંટ કરે છે. આ પ્રકારના સ્ટંટથી માત્ર પોતાના જ નહીં પરંતુ અન્ય લોકોના જીવ પણ જોખમમાં મૂકાય છે.

