ભરૂચ: ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગી હતી.લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા.
Decision News ને મળેલી માહિતી મુજબ ઝાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર માર્ગના કારણે ટ્રાફિકજામની રોજિંદી સમસ્યા વકરી રહી છે.માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઇવે નંબર 48 પર વારંવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.
વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રાફિકજામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે. આ સમસ્યાથી રોજ હજારો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

            
		








