ખેરગામ: આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ માં ઉજ્જવળ ભવિષ્ય ઘડતરમાં મદદ કરતાં સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકો દ્વારા ડો.નિરવ પટેલની પહેલ પર ખેરગામ તાલુકાના પણજ ગામની ભણતરમા તેજસ્વી આદિવાસી દિકરી રોશનીની જિંદગીમા રોશની પાથરી હોવાનું જાણવા મળ્યું છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ વર્તમાન સમયમાં મોંઘવારી જયારે કમરતોડ વધી રહી છે ત્યારે સામાન્ય માણસો માટે ઉચ્ચ શિક્ષણ ઘણું મુશ્કેલ બની રહ્યું છે. ખેરગામ તાલુકાના એક ગામની વતની યુવતિ રોશની ભણવામાં હોશિયાર હોવાથી ગાંધીનગર IIT માં પ્રવેશ મેળવેલ પરંતુ સામાન્ય સંઘર્ષમય પરિસ્થિતિમાં જીવતા પરિવાર માટે અચાનક ફી નું ભારણ માથે આવી પડતા, પરિવાર વિમાસણ અને દોડાદોડીમા મુકાય ગયો હતો. આથી એના પરિવારજનોએ કાર્તિક પટેલ મારફતે આદિવાસી યુથ લીડર ડો.નિરવ ભુલાભાઈ પટેલનો સંપર્ક કરતાં ડો.પટેલ દ્વારા સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકો મિનેશભાઈ, દિનેશભાઇ, કૌશિકભાઈ, ભાવેશભાઈ, હિતેષભાઇ, હેમંતભાઈ, વિજયભાઈ અને એમની ટીમનો સંપર્ક કરી ભણતરમાં તેજસ્વી વિદ્યાર્થીની રોશનીની જિંદગીમા આર્થિક કારણોસર અંધકાર નહીં છવાય તે માટે મદદરૂપ થવા અપીલ કરી હતી.આ વાતને અત્યારસુધીમા ટીપેટીપે કરીને માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં 29 લાખ રૂપિયા જેટલી માતબર સહાય માત્ર ભણતર માટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આપી ચૂકેલ સંચાલકો દ્વારા વિના હિચકીચાહટ સ્વીકારી લઇ બીજા જ દિવસે રોશનીના ખાતામાં ઘટતી ફી જમા કરાવી દઈ,રોશનીનું એડમિશન કન્ફર્મ કરાવી આપેલ.એવી જ રીતે ખાંભડા ગામની તેજસ્વી દિકરીના મેડિકલ પ્રવેશ માટે પણ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લાગણીશીલ સહાય પૂરી પાડવામાં આવી હતી.
આમ સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક જ દિવસમાં 2 પરિવારોની જિંદગીઓમાં ખુશીઓની લહેર દોડાવી હતી. આ બાબતે રોશનીના ઘરની મુલાકાત લીધા બાદ ડો.નિરવ ભુલાભાઇ પટેલે સંકલ્પ એજ્યુકેશન ટ્રસ્ટનો આભાર માનતા જણાવેલ કે આ ટ્રસ્ટ એકદમ સામાન્ય બેકગ્રાઉન્ડવાળા વ્યક્તિઓ દ્વારા ટીપે ટીપે અપાયેલ લોકફાળાથી બનેલ છે અને અત્યારસુધીમા અનેક લોકોને મદદરૂપ થઇ ચૂક્યું છે. અત્યારે સમાજના દાખલા પર ભણેલ લોકો નોકરી ધંધામાં લાખો રૂપિયા કમાતા હોય છે તેઓ બર્થડે પાર્ટીઓ કે અન્ય મોજશોખ માટે લાખો રૂપિયા ઉડાવતા હોય છે પરંતુ સમાજ કે દેશના કોઈ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવાની નોબત આવે ત્યારે રીતસરના મો ફેરવી લેતા હોય છે. ઘણીવાર સહાય મેળવીને આગળ વધેલ બાળકો પણ સારા હોદ્દાઓ પર પહોંચીને પોતાના જેવા જરૂરિયાતમંદ બાળકોને મદદરૂપ થવાનું ભૂલી જતાં હોય છે ત્યારે તમામને અપીલ કર્યે છીએ કે બધા પોતપોતાની આવકના 2-3 ટકા પણ જરૂરિયાતમંદ બાળકોને અથવા નિસહાય વડીલો, દિવ્યાંગો, બીમારોને મદદરૂપ થવા માટે વાપરશે તો કોઈપણ વ્યક્તિ દુખી નહીં રહેશે એવું મારું માનવું છે.

