આણંદ: વિધાનસભા 2027 ની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો એક્ટિવ થઇ ગયા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે પણ તૈયારી કરી દીધી હોય તેમ અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બનાવ્યા બાદ આજે રાહુલ ગાંધી ગુજરાતમાં આવ્યા અને 33 જિલ્લાના નવ નિયુક્ત પ્રમુખો સાથે એક બેઠક કરી હતી.
આજે આણંદમાં આવેલા રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફરીથી બેઠી કરવા નવી રણનીતિ ઘડી છે. ગુજરાતમાં કોંગ્રેસને ફરીથી મજબૂત કરવા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરતા જણાવ્યુ કે, હવે કોઇપણ ચૂંટણીમાં પ્રદેશના નેતા ટિકીટ અંગે નિર્ણય નહીં કરી શકે. જિલ્લા અને શહેર પ્રમુખો ટિકીટ કોને આપવી તે અંગે નિર્ણય કરશે. રાહુલ ગાંધીએ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, શહેર-જિલ્લા પ્રદેશ પ્રમુખ સહિતના મોટા નેતાઓ સાથે ચિંતન શિબિર યોજી હતી.
જિલ્લા અને શહેર પ્રમુખો ટિકીટ કોને આપવી તે અંગે નિર્ણય કરશે.
રાહુલ ગાંધીએ જાહેરાત કરતાં જણાવ્યુ કે, જિલ્લા અને શહેર પ્રમુખો ટિકિટ કોણે આપવી તે નક્કી કરશે. જિલ્લા કે શહેર પ્રમુખ ના પાડે તો તે ઉમેદવારને ટિકિટ નહી જ મળે, જિલ્લા કે શહેર પ્રમુખની સહમતિથી જ ઉમેદવાર નક્કી થશે. રાહુલ ગાંધીનો આ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ ચૂંટણી સંદેશો છે. આ સમગ્ર મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ જણાવ્યુ કે, જે પણ નિર્ણય હોય તે સંગઠનના અભિપ્રાયને મહત્વ આપશે. ચૂંટણી લક્ષી નિર્ણયો સંગઠનના અભિપ્રાય પ્રમાણે જ થશે. રાહુલ ગાંધી આજે આણંદના નિજાનંદ રિસોર્ટ ખાતે 33 જિલ્લાના નવા વરાયેલા પ્રમુખો અને શહેર પ્રમુખોના તાલીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા અને શહેર પ્રમુખોની તાલીમ સેશનને સંબોધન કર્યું હતું.

