ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં છે ત્યારે ગતરોજ તેમના ધર્મપત્ની વર્ષાબેન વસાવા આદિવાસી લોકો માટે ચિઠ્ઠીમાં સંદેશ લાવ્યા હતા..ચૈતરભાઈ વસાવા ચિઠ્ઠીમાં લખ્યું હતું કે હું મારી જનતાને હવે સંદેશ આપવા માગું છું કે હું એક સરકારી નોકરી કરતો હતો, આ દરમિયાન મેં જોયું કે આદિવાસી સમાજના લોકો સાથે ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે, માટે સમાજના લોકોને ન્યાય અપાવવાના હેતુથી મેં મારી નોકરી છોડી. ત્યારબાદ જિલ્લા પંચાયતની સીટ પરથી લોકો માટે કામ કર્યું અને ત્યારબાદ ધારાસભ્ય બન્યા બાદ પણ લોકોએ મને ખૂબ જ સાથ સહકાર આપ્યો. ધારાસભ્ય બન્યા બાદ હું હંમેશા આદિવાસી સમાજના લોકો માટે લડતો રહ્યો છું અને સરકારને મારી આ વાત પસંદ નથી કે હું આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવી રહ્યો છું, માટે તેમણે મને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલી દીધો છે. હકીકત એ છે કે જે જગ્યા પર મીટિંગ થઈ હતી ત્યાં એવો કોઈ બનાવ બન્યો જ નહોતો, પરંતુ ભાજપના લોકોએ વાર્તા ઉપજાવી છે અને એ મીટિંગના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા ગાયબ કરી દેવામાં આવ્યા છે.
હું જ્યારે પોલીસ સ્ટેશન ગયો ત્યારે મને ત્રણ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યો અને મારી ફરિયાદ પણ લેવામાં નહોતી આવી, અને પોલીસ સતત ફોનમાં રહીને મારા વિરુદ્ધ ષડયંત્રમાં પોતાનો ભાગ ભજવી રહી હતી. પોલીસ તંત્ર ભાજપના ઇશારે કામ કરી રહી છે, કારણ કે પોલીસે હપ્તા ઉઘરાવતી હોય છે — એવા ફોટા સાથે મેં તે લોકોને ઉઘાડા પાડ્યા હતા. ભાજપના લોકોએ સરકારી વકીલના કહ્યા પ્રમાણે એક મહિલાને આગળ કરવામાં આવી છે, પરંતુ આ મહિલાને કાંઈ ખબર નથી. હકીકતમાં આ કેસમાં પ્રસાદ સુનભે છે, જે આ કેસને લાંબો કરવા માંગે છે અને તે ભાજપના હિસાબે કામ કરે છે. તો મારી સ્પષ્ટ માગણી છે કે તેમના પર કાર્યવાહી થવી જોઈએ. પોલીસ સ્ટેશનમાં પણ મારા પરિવાર સાથે મને મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. ક્રાઈમ બ્રાન્ચના લોકો મને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે — એ લોકો પર પણ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે તેઓ જનતા દ્વારા ચૂંટાયેલા એક ધારાસભ્યનું અપમાન કરી રહ્યા છે. મારો સવાલ છે કે તમે કોના ઓર્ડર દ્વારા આ કામ કરી રહ્યા છો — તેનો મને જવાબ આપો. હું અગાઉના કેસમાં જ્યાં નિર્દોષ સાબિત થયો હતો, એ કેસમાં મને ફરીથી રજુ કરવામાં આવે છે, તો પોલીસ પર પણ કાર્યવાહી થવી જોઈએ.
ધારાસભ્ય બન્યા બાદ મેં સડકથી લઈને વિધાનસભા સદન સુધી લોકો માટે અવાજ ઉઠાવ્યો છે. હું મારી જનતા માટે અવાજ ઉઠાવું છું — એ ભાજપ સરકારને પસંદ નથી. બચુ ખાબડના બંને દીકરાઓએ 2,500 કરોડ રૂપિયાનો કૌભાંડ કર્યો હતો અને એ લોકો અત્યારે જામીન પર બહાર છે, અને જે વ્યક્તિ — એટલે કે મેં પોતે — આ કૌભાંડને બહાર પાડ્યું હતું, તે આજે જેલમાં છે. તો આ રાજકીય ષડયંત્ર નથી તો શું છે? એક આદિવાસી દીકરો પોતાનાં સમાજને જગાડે છે અને સમાજ માટે અવાજ ઉઠાવે છે — એ ભાજપના નેતાઓને પસંદ નથી, એટલા માટે ખોટી FIR કરીને મને ફસાવવામાં આવ્યો છે. જો મને કે મારા પરિવારને કઈ પણ થશે તો તેની જવાબદારી પોલીસ તંત્રની રહેશે. મારું અને મારા પરિવારનું મનોબળ ક્યારેય તૂટે નહીં એટલા માટે અમે આશા રાખીએ છીએ કે આદિવાસી સમાજ અમારી સાથે ઉભો રહેશે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જે પણ મીડિયાના મિત્રોએ તમામ હકીકતની જાણકારી લોકોને સુધી પહોંચાડી છે — તે તમામ મીડિયા મિત્રોનો આભાર. આમ આદમી પાર્ટીના નેતાઓ તથા લોકો હંમેશા મારા અને મારા પરિવારની સાથે ઉભા છે — તે બદલ તેમનો પણ આભાર.

