ગુજરાત: રાજ્ય અને કેન્દ્ર સરકારે રાસાયણિક ખાતરના દુરુપયોગને અટકાવવા માટે નવી વિતરણ પોલિસી અમલમાં મૂકી છે. આ નીતિ હેઠળ ખેડૂતોને તેમની જરૂરિયાત મુજબ તબક્કાવાર રાસાયણિક ખાતર આપવામાં આવશે.સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે ખેડૂતો વધુ પાક મેળવવાની લાલચમાં રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ કરી રહ્યા છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે સરકાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાના પ્રયાસો કરી રહી છે.નવી પોલિસી અનુસાર, જિલ્લામાં પાક પ્રમાણે રાસાયણિક ખાતર અને અન્ય ખાતરો તબક્કાવાર આપવામાં આવી રહ્યા છે.

આ પગલાથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને મહત્તમ પાક પ્રાકૃતિક રીતે ઉગાડે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.વલસાડ જિલ્લામાં પાછલા વર્ષની માંગ મુજબ રાસાયણિક ખાતર તબક્કાવાર આપવામાં આવી રહ્યું છે. આખા વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં 7 હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતરની માંગ રહે છે. જુલાઈ માસ સુધીમાં 4 હજાર મેટ્રિક ટન રાસાયણિક ખાતર ખેડૂતોને આપવામાં આવ્યું છે. ચાલુ માસના અંત સુધીમાં વધુ 500 મેટ્રિક ટન રાસાયણિક ખાતર આપવામાં આવશે.

ખેડૂતોને ડાંગરના પાક અને અન્ય પાકોની વાવણી સમયે રાસાયણિક ખાતરની વધુ જરૂર પડે છે. ચાલુ વર્ષની નવી પોલિસી અનુસાર ખેડૂતોને તબક્કાવાર ખાતર આપવાથી કાળા બજારી અટકશે અને ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળશે. યુરિયા ખાતરનો વપરાશ ઘટાડવાથી જમીનની ફળદ્રુપતા પણ બચાવવામાં આવી રહી છે.વલસાડ જિલ્લામાં ખેડૂતોની માંગ મુજબ યુરિયા સહિત વિવિધ પ્રકારના ખાતર આપવામાં આવી રહ્યા છે.