નવસારી: સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા રાજયના વિવિધ આદિવાસી વિસ્તારોમાં નવી સરકારી લો કોલેજો શરુ કરવા માંગ કરી છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે ભારત દેશની આઝાદીના 78 વર્ષ પૂર્ણ થવાને આરે છે અને દેશ પ્રજાસત્તાક બન્યાને પણ 75 વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે પરંતુ દેશના મોટાભાગના આદિવાસી વિસ્તારો હજુ સુધી અન્યો વિસ્તારોની સરખામણીમા જોઈએ એટલી પ્રગતિ નથી સાધી શક્યા એનું મોટામાં મોટું કારણ નિરક્ષરતા, અંધશ્રદ્ધા, વ્યસન, ગરીબી, શરમાળપણું, ભોળપણ, શોષણ, જમીનમાંથી વિવિધ પ્રોજેકટોને નામે ફોર્સફૂલ બેદખલગીરી વગેરે કહી શકાય.
ડો.નિરવભાઈ જણાવ્યું કે આ બધાનું એક સૌથી મોટું સમાધાન મારી દ્રષ્ટિએ શિક્ષણ અને તેમાં પણ ભારતીય બંધારણ અને કાયદાઓની જાણકારી જ પોતાના હક-અધિકારો વિશે જાગૃત બનાવી શકે છે અને આ બધી તકલીફોમાંથી મુક્તિ અપાવી શકે છે.એના માટે આદિવાસી વિસ્તારોમાં સરકારી LAW COLLEGES હોવી ખુબ જ જરૂરી છે.જેમાંથી અભ્યાસ કરીને આદિવાસી સમાજ અથવા કોઈપણ ગરીબ વર્ગના બાળકો ભણીગણીને વિદ્વાન વકીલો બનશે તો કેટલાય ગરીબો અને લાચારોને ન્યાય મળશે કારણ કે હાલમાં ન્યાયિક પ્રક્રિયા ખુબ જ ખર્ચાળ બની ચુકી છે જેથી મોટાભાગના સામાન્ય વ્યક્તિઓ નામદાર હાઇકોર્ટ કે સુપ્રીમકોર્ટ સુધી પહોંચી નથી શકતા અને વિનામૂલ્યે કાનૂની સહાય ઉપલબ્ધ છે તેનો બહોળો પ્રચાર પ્રસાર પણ આદિવાસી વિસ્તારોમાં થતો નથી
આથી જાણકારીના અભાવે કેટલાય લોકો વર્ષો સુધી ન્યાય વગર જેલોમાં સબડતા રહેતા હોય છે અથવા અદાલત સુધી પહોંચવાની હિંમત જ નથી કરતા હોતા અને પોતાના નસીબનો દોષ સમજીને ચુપચાપ અન્યાય સહન કરી પોતાની જિંદગી પૂરી કરતા હોય છે.અને એનાથી મોટી વિટમ્બણા એ છે કે અમારા જેવા ભણેલા ગણેલા યુવા આગેવાનો તંત્રના ખોટા કામો વિરુદ્ધ અવાજ ઉઠાવ્યે એટલે તરત જ નકસલવાદી હોવાના ખોટા ટેગ લગાડી ખોટા કેસોમાં ફસાવી હેરાન-પરેશાન કરવાના કારસા સ્થાનિક તંત્ર દ્વારા રચવામાં આવતા હોય છે.
આ સમસ્યાના નિરાકરણ માટે વિદ્યાર્થીઓ માટે આદિવાસી વિસ્તારોમાં ધોરણ 12 પછી સરળતાથી LLB ના અભ્યાસક્રમમા માટે સરકારી કોલેજો મળી રહે તો ઘણા વિદ્યાર્થીઓ વિદ્વાન વકીલો બની શકે એમ છે અને જો ઘણા વ્યક્તિ જો કાયદાના જાણકારો હશે તો કોઈપણ જગ્યાએ તંત્ર દ્વારા થતા અન્યાય વિરુદ્ધ નામદાર અદાલતોમાં અવાજ ઉઠાવી શકશે જેનાથી આદિવાસી વિસ્તારોના ગરીબ,વંચિત લોકો માટે રાહત દરે ન્યાય મેળવવાનો રસ્તો વધારે સરળ બનશે.

