વાંસદા: વાંસદા તાલુકાના પાટા ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર-10માં ભૂલકાઓ માટે બનાવેલી આંગણવાડીના મકાનની છતમાંથી વરસાદી પાણી ટપકતા નીચે બેસી ભણતા બાળકો માટે આંગણવાડી સંચાલકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા માટે આંગણવાડીમાં મોટી તાડપત્રી બાંધી એક તરફ મોટા તપેલા મૂકી ટપકતા પાણીની નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ આંગણવાડીના બાળકો વરસાદી પાણીની ટપકતી છત નીચે બેસવા મજબૂર બન્યા છે. વાંસદા તાલુકાના પાટા ફળિયામાં આવેલ આંગણવાડી કેન્દ્ર-10ની છત ઉપરથી ટપકતું પાણી, ભીની દિવાલો સાથે આંગણવાડીમાં પાણી ગળતું હોવાને લઈ નાના નાના ભૂલકાઓ હાલાકી ભોગવી રહ્યાં છે. ભૂલકાંઓના ઉજ્જવળ ભવિષ્ય સામે પ્રશ્ન ચિન્હ સમાન છે. ચોમાસામાં છત ઉપરથી સતત પાણી ટપકતું હોવાને લઈ આંગણવાડીમાં અંદર પાણી જ પાણી થઈ જાય છે

તેવામાં બાળકોને બેસાડે તો કયા બેસાડે. બાળકોને બેસવામાં મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે વરસાદી મોસમમાં આંગણવાડીની છતમાંથી પાણી ટપકવાની સમસ્યા જોવા મળી રહી છે. ભૂલકાઓને ભણાવવા કરતા ટપકતા પાણીથી બચવામાં આંગણવાડી વર્કર બહેનોએ વધારે સમય આપવો પડી રહ્યો છે. આમ છતાં તેમના માથે પાણી ટપકતા તેઓ પલળી જાય છે, પોતાના બાળકો પલળીને બિમાર થઈ ન જાય એટલે વાલીઓ પોતાના બાળકોને આંગણવાડીમાં મોકલવામાં મૂંઝવણ અનુભવી રહ્યાં છે.તંત્ર આ બાબતે તાત્કાલિક ધોરણે અનેક આંગણવાડીની તપાસ કરાવે અને વહેલી તકે સમારકામ કરાવે એવી લોકમાંગ ઉઠી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here