ચીખલી: ચીખલી તાલુકાના સૂંઠવાડ ગામે મુખ્ય પ્રાથમિક શાળાના ઓરડા તોડી નંખાયા બાદ નવા ઓરડાનું બાંધકામ શરૂ ન કરાતા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ભરચોમાસે વિદ્યાર્થીઓએ ખુલ્લા શેડમાં બેસીને અભ્યાસ કરવાની નોબત આવી છે. સુંઠવાડ ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ-1થી 8માં 86 વિદ્યાર્થીઓથી અભ્યાસ કરે છે અને 5 શિક્ષકોનો સ્ટાફ છે. આ શાળાના 5 ઓરડા જર્જરિત હોવાથી મે માસમાં જ તોડી નાંખ્યા હતા.
ઓરડા તોડી નાંખ્યાના બે મહિના જેટલો સમય વિતવા છતાં આજદિન સુધી નવા ઓરડાનું બાંધકામ શરૂ કરાયું નથી.હકીકતમાં તંત્ર દ્વારા ઓરડા તૂટવાની સાથે નવા ઓરડાનું બાંધકામ શરૂ થાય તે પ્રકારનું આયોજન કરવું જોઈએ પરંતુ તેમ ન થતાં આજે ઓરડા તોડી નંખાયાને લાંબો સમય વિતવા છતાં પણ કામ શરૂ થયું નથી. નવું સત્ર શરૂ થઈ જવા સાથે વિદ્યાર્થીઓને પતરાના ખુલ્લા શેડમાં બેસીને અભ્યાસ કરવાની નોબત આવી છે.વધુમાં હાલ ચોમાસાની સિઝન હોય પવન વરસાદના સમયે ખુલ્લા શેડમાં વિદ્યાર્થીઓની હાલતનો પાર રહેતો નથી અને આ પ્રકારની સ્થિતિમાં વિદ્યાર્થીઓના શિક્ષણ પર વિપરીત અસર થઇ છે. આમ તંત્રના અણઘડ કારભારમાં વિદ્યાર્થીઓએ સહન કરવું પડી રહ્યું છે.
ઓરડા તોડી નંખાયાને બે માસ જેટલો સમય વિતવા છતાં નવા ઓરડાઓનું બાંધકામ શરૂ જ નથી થયું ત્યારે વિદ્યાર્થીઓએ હજુ કેટલા મહિના ખુલ્લા શેડમાં અભ્યાસ કરવો પડશે તે જોવું રહ્યું. જોકે આ મુદ્દે સ્થાનિકો દ્વારા નવા ઓરડાઓનું બાંધકામ ઝડપથી શરૂ થાય તે માટે અવાર નવાર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે ત્યારે ઝડપથી બાંધકામ શરૂ થાય તે જરૂરી છે.સુંઠવાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ત્રણ રૂમ માટે દરખાસ્ત કરી હતી પરંતુ હાલ ત્રણ રૂમ માટેનું ટેન્ડર અપલોડ થયું નથી. અમે હાલ કામ કરતી એજન્સી સાથે વાત કરી શક્ય એટલું ઝડપથી કામ શરૂ થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ.

