વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુરથી વાંસદા તરફ જતા નેશનલ હાઈવે 56 પર બે મહત્વના બ્રિજ બંધ કરી દેવાયા છે. કરંજવેરી નજીક માન નદીનો બ્રિજ અને આંબા તલાટ પાસે તાન નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં છે. સલામતીના કારણે આ બંને બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયા છે. બ્રિજ બંધ થવાથી સામાન્ય 5-7 કિમીનો રસ્તો હવે 15-20 કિમી લાંબો થઈ ગયો છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. માત્ર એક બસ વિરવલ પાટિયા સુધી જ જાય છે. અનેક ગામોમાં સરકારી બસ સેવા નથી. વિદ્યાર્થીઓને સવારે 3-4 કિમી ચાલીને બસ પોઈન્ટ સુધી પહોંચવું પડે છે.વિદ્યાર્થીઓ અદિતિ અને ભુવનેશ્વરીના જણાવ્યા મુજબ, તેમને વહેલા ઉઠવું પડે છે. વાલીઓ તેમને રિક્ષા કે બાઈકથી વિરવલ પાટિયા સુધી પહોંચાડે છે. બસ 10-10:30 વાગ્યે આવે છે. શાળામાં પ્રથમ લેક્ચર ચૂકી જાય છે. સાંજે મોડી બસને કારણે અંધારામાં ઘરે પહોંચે છે.
સ્થાનિક વાલીઓ જસવંતભાઈ અને અનીશાબેન કહે છે કે બાળકોને લાવવા-મૂકવામાં તેમની રોજગારી પ્રભાવિત થાય છે. અપક્ષ તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ પટેલે બસ સેવા કરંજવેરી ત્રણ રસ્તા સુધી લંબાવવાની માંગ કરી છે. જો વ્યવસ્થા નહીં થાય તો બસ ડેપોમાં ધરણાની ચીમકી આપી છે.સ્થાનિક પ્રશાસન અને RTO વિભાગ પાસે ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય અને ગ્રામજનોની રોજિંદી જીવનશૈલી માટે પરિવહન વ્યવસ્થામાં સુધારો આવશ્યક છે.

