ધરમપુર: ધરમપુરના ચિચોઝર મુખ્ય રસ્તાથી કેળવણીના ડુંગર ફળિયાથી શિવ ફળીયા રોડ ઉપરની લાવરી નદી પર ડૂબાઉ ચેકડેક કમ કોઝવેના સ્થાને રૂ.8.20 કરોડના ખર્ચે મેજર બ્રીજની કામગીરી તથા ચિચોઝર મુખ્ય રસ્તાથી ઓઝર ફળીયા તરફ જતા રસ્તા વચ્ચેથી પસાર થતી લાવરી નદી પર ડૂબાઉ ચેકડેમ કમ કોઝવેના સ્થાને રૂપિયા 8.20 કરોડના ખર્ચે મેજર બ્રીજની કામગીરી માટે થયેલી જોબ નંબરની ફાળવણી સાથે ધારાસભ્ય ધરમપુર અરવિંદ પટેલે સરકારમાં કરેલી ભલામણ અને માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ધરમપુરની દરખાસ્ત ફળી છે.

આ ઉપરાંત મામાભાચા ગામથી બેલી ફળીયા જતા રસ્તા વચ્ચેથી પસાર થતી ખનકી પરના ડૂબાઉ કોઝવેના સ્થાને રૂ.1.25 કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનની કામગીરી માટે પણ જોબ નંબરની ફાળવણી થઈ છે. બે મેજર બ્રીજ તથા એક સ્લેબ ડ્રેઇનના જોબ નંબરની થયેલી ફાળવણીને લઈ વર્ષોથી ડૂબાઉ સ્ટ્રક્ચરથી વાહનવ્યવહાર તથા લોકોની અવરજવરને થતી માઠી અસરની સમસ્યા દૂર થવાની આશા ઉભી થઇ છે.ધરમપુરના કેળવણી તથા ચિચોઝર વચ્ચેથી પસાર થતી લાવરી નદી પરના ડૂબાઉ ચેકડેમ કમ કોઝવે ચોમાસામાં ઓવરટોપિંગ થતા બે ગામ ચિચોઝર તથા કેળવણી તેમજ અન્ય ગામોનાં લોકોની અવરજવર બંધ થતાં હજારો લોકોની સુવિધા અને સલામતીને ધ્યાને લઇ મેજર બ્રીજની માગ વર્ષોથી ઉઠતી આવી હતી.

લોકોની સુખાકારી અને સલામતીને ધ્યાને લઇ ધારાસભ્ય ધરમપુરે મેજર બ્રીજ માટે સરકારમાં રજુઆત સાથે ભલામણ કરી હતી. આ સાથે માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ધરમપુરે પણ સર્વે કરી કોઝવે ડૂબાણમાં જતા વૈકલ્પિક રસ્તો ન હોવા સહિતની માહિતી સાથે મેજર બ્રીજની દરખાસ્ત કરી હતી.ચિચોઝરના મહિલા સરપંચના પતિ ભગુભાઇ પી.બારીયાએ બે બ્રીજના જોબ નંબર માટે આનંદની લાગણી વ્યક્ત કરી કહ્યું હતું કે બે બ્રીજ બનવાથી વર્ષોની સમસ્યા દૂર થશે અને પશુપાલકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત, શિક્ષકો, 108 એમ્બ્યુલન્સ સહિત ઘણો ફાયદો થશે તેમજ અવરજવરની સુવિધા મળશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here