વાપી: વલસાડ જિલ્લાના વાપી ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી જીમિત પ્લાસ્ટિક પ્રોડક્ટ કંપનીમાં મધરાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ટોપ ફ્લોર પર શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. ઘટના સમયે કંપનીમાં કામદારો કાર્યરત હતા. આગની જાણ થતાં જ શિફ્ટ મેનેજર અને કંપની સંચાલકોને તુરંત માહિતી આપવામાં આવી હતી. વાપી ફાયર બ્રિગેડની ટીમ અને કંપનીના ફાયર ટ્રેનિંગ મેળવેલા સ્ટાફને પણ તાત્કાલિક બોલાવવામાં આવ્યા હતો.
Decision News ને મળેલી માહિતી મુજબ ફાયર બ્રિગેડની ટીમે પહોંચીને તુરંત જ કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડયા હતા. પ્લાસ્ટિકના ઉત્પાદનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીની આજુબાજુમાં યાર્ન ગોડાઉન હોવાથી ફાયર ટીમે વિશેષ તકેદારી રાખી હતી.
આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની તમામ ગાડીઓને આગ પર કાબૂ મેળવ્યો હતો . પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી બંદોબસ્તની કામગીરી સંભાળી હતી. કંપનીમાં મૂકેલો સંપૂર્ણ માલસામાન બળીને ખાખ થઈ ગયો છે. કંપની સંચાલકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

