વલસાડ: વલસાડ જિલ્લા પોલીસે આજે રાજસ્થાન ભવન, ડુંગરા ખાતે સાયબર ક્રાઈમ, નવા કાયદા અને વ્યાજખોરી વિરુદ્ધ જનજાગૃતિ માટે લોકદરબારનું આયોજન કર્યું. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક બી.એન. દવેની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં વાપી ટાઉન, વાપી GIDC અને ડુંગરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સાઇબર નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા. DySP બી.એન. દવેએ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમની જાણકારી આપી. તેમણે નવા અમલી બનેલા ત્રણ કાયદા – ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા. તેમને સાયબર ફ્રોડના કિસ્સામાં 1930 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવાની માહિતી આપવામાં આવી. નાયબ પોલીસ અધિક્ષકે નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને તેના નિવારણ માટે તાત્કાલિક સૂચનાઓ આપી. લોકદરબારનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં કાયદાકીય જાગૃતિ લાવવાનો અને વધી રહેલા સાયબર અપરાધો તેમજ વ્યાજખોરી સામે સાવચેતી કેળવવાનો હતો.

