વલસાડ: વલસાડના પ્રયોજના વહીવટદાર અને ધરમપુરના પ્રાંત અધિકારી સમક્ષ આદિવાસી આગેવાનોએ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેની સરકારી ગ્રાન્ટ અંગે રજૂઆત કરી છે.આદિવાસી આગેવાનોએ જણાવ્યું કે, દર વર્ષે આદિવાસી દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે.
ગત વર્ષે સરકાર દ્વારા 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ વર્ષે આ રકમ વધીને 22 લાખ રૂપિયા કરાઈ છે.આગેવાનોની મુખ્ય માંગણી છે કે, આ ગ્રાન્ટ સીધી સ્થાનિક આદિવાસી સંગઠનોને ફાળવવામાં આવે. તેમણે સ્પષ્ટતા માગી છે કે ગ્રાન્ટ માત્ર રાજકીય પક્ષો કે ધારાસભ્યોને જ આપવા અંગે કોઈ સરકારી પરિપત્ર છે કે કેમ. જો આવી કોઈ માર્ગદર્શિકા હોય તો તેની નકલ માંગવામાં આવી છે.
વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ જ્યાં આદિવાસી સમાજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે, ત્યાં યોગ્ય રકમની ગ્રાન્ટ ફાળવવાની માંગણી કરવામાં આવી છે. આગેવાનોએ આ અંગે સરકારને આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

