નર્મદા: ચોમાસા દરમિયાન આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી મહેકી ઉઠે છે. ત્યારે રાજપીપળા નજીક આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે આવેલો ટકારાનો ધોધ પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે.લોકવાયકા મુજબ, આ ધોધ રાજવાડાના સમયનો છે. તે સમયે ધોધ ખૂબ ઊંચાઈએથી પડતો હતો.
રાજાએ પથ્થરોને ટાંકીને આ ધોધ બનાવડાવ્યો હતો. તેથી જ તે ટકારાના ધોધ તરીકે ઓળખાય છે. નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો આ ધોધ હાલમાં ચોમાસામાં પૂર્ણ વૈભવમાં જોવા મળી રહ્યો છે.ઢોચકીના વળાંક તરફ આવેલો આ ધોધ શાંત, સ્વચ્છ અને પ્રાકૃતિક વાતાવરણ ધરાવે છે. પ્રદૂષણ મુક્ત આ સ્થળે ધોધ ખળખળ વહી રહ્યો છે. પ્રવાસીઓ અહીં સેલ્ફી લેવાની મજા માણી રહ્યા છે.
આ પિકનિક સ્પોટને વિકસાવવાની જરૂર છે. પ્રવાસી ઋજુતા જગતાપના જણાવ્યા મુજબ, સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા સ્થળો પર કરોડો રૂપિયા ખર્ચે છે. આ ધોધને ઓછા બજેટમાં વિકસાવી શકાય તેમ છે. અહીં ધોધ સુધી પહોંચવાનો યોગ્ય રસ્તો અને પગથિયાંની સુવિધા ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. આ જિલ્લો મીની કાશ્મીર પણ કહેવાય છે. તો તંત્ર આ જગ્યાને પણ વિકસાવે એવી માગ છે.

