ગુજરાત: ગંભીરા બ્રિજ અકસ્માતમાં જીવ ગુમાવનાર કહાનવા ગામના બે યુવાનોના પરિવારને આર્થિક મદદ મળી છે. મૃતક યોગેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ અને વખતસિંહ જાદવના પરિવારજનોને એક-એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આ સહાય તેમના પગારમાંથી આપી છે. તેમણે અગાઉ કરેલી જાહેરાત મુજબ આ સહાય કરી છે. કેતન ઇનામદારે જણાવ્યું કે દુઃખની ઘડીમાં લોકોની સાથે ઊભા રહેવું એ માનવધર્મ છે. આ સાથે તેમણે સમાજ પ્રત્યેની જવાબદારીની પણ વાત કરી હતી.
કહાનવા ગામમાં યોજાયેલા ચેક વિતરણ કાર્યક્રમમાં અનેક આગેવાનો હાજર રહ્યા હતા. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, કહાનવા ગામના સરપંચ, પાદરા યુવા મોરચાના જયદીપ પરમાર અને ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય પ્રતાપસિંહ માધવસિંહ ઉપસ્થિત રહ્યા હતા. તમામે મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

