નવસારી: વાંસદા થી ઉનાઈ સુધી વાપી-શામળાજી હાઇવે પર ઠેકઠેકાણે ખાડાના સામ્રાજ્યથી બિસ્માર થયો હોય જેને કારણે વાંસદાથી ઉનાઈ સુધીના 12 કિમીનું અંતર કાપવા 1થી દોઢ કલાક જેટલો સમય લાગે છે, જેના કારણે આ રસ્તે જતા ટ્રાન્સપોર્ટના ભારેખમ વાહનો અતિભારે ઉબડખાબડ રસ્તે જવાનું ટાળી રહ્યાં છે, જેને કારણે ભારે વાહનો પાઠકવાડીથી વાયા પદમડુંગરી,સરા અને મહુવાસ સ્ટેટ હાઇવે તરફ જઇ રહ્યા હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા નાના અને સાંકડા માર્ગો બિસ્માર થવાની શકયતા વધી રહી છે.
વાપી-શામળાજી હાઇવે 24 કલાક વાહનોથી ધમધમે છે. અહીંથી રોજિંદા મોટી સંખ્યામાં ભારેખમ વાહનો પસાર થતા હોય છે. જેમાં રોજિંદા શાકભાજીના વ્યવસાય અર્થે નાસિક જતી 100 થી 150 જેટલી લોડિંગ પીકઅપ તેમજ ટેમ્પાઓ અને અન્ય વાહનો પણ વાંસદાથી ઉનાઈ અને મહારાષ્ટ્ર તરફ જતા ટ્રાન્સપોર્ટના ભારે વાહનો વાપી- શામળાજી હાઇવે બિસ્માર હોવાને કારણે પાઠકવાડી થઈ પદમડુંગરી ગામે બનાવેલ બ્રિજ પરથી સરા થઈ મહુવાસ તરફથી સ્ટેટ હાઇવેનો ઉપયોગ કરી રહ્યા હોવાને કારણે માર્ગ- મકાન વિભાગ હસ્તકના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પર ટ્રાફિક ભારણ વધી રહ્યું છે.
ખેડૂતો અને સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત થવાનો ભય સતાવી રહ્યો છે. માર્ગ અને મકાન હસ્તકના હાલમાં નવા બનેલા રસ્તાઓની પહોળાઈ માત્ર 3.75 મીટર જે ગ્રામ્ય વિસ્તારના આ રસ્તાઓ સામાન્ય વાહનો અને રાહદારીઓના ઉપયોગ માટે હોય તેના પર હાલમાં સતત ભારે વાહનો પસાર થઈ રહ્યાં હોવાથી રસ્તાની ઘોર ખોદાઈ રહી છે તેમજ આ રસ્તા પર બન્ને બાજુ મોટા વાહનોની અવર જવરને કારણે ટ્રાફિક સમસ્યા ઉદભવી રહી છે. ભારે વાહનો દોડવાથી રસ્તા ખરાબ થઇ રહ્યા છે
પાઠકવાડી, પદમડુંગરી, સરાથી મહુવાસ તરફ રોજ 150 થી 200 ભારેખમ લોડિંગ વાહનો દોડી રહ્યાં છે. જેને લઈ નવા બનેલા ગ્રામ્ય રસ્તાઓ ખરાબ થઈ રહ્યાં છે તેમજ સાંકડા હોવાને કારણે ટ્રાફિક થવાથી પ્રજાને મુશ્કેલી પડી રહી છે તેમજ અકસ્માતનો ડર વધી ગયો છે. જેનું નિરાકરણ લાવવાની જરૂર છે. સરા ગ્રામ્ય વિસ્તારના રસ્તા ભારે- વાહનોની અવરજવર માટે નથી માર્ગ-મકાન (પંચાયત) હસ્તકના ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ ભારે અને લોડિંગ વાહનોના અવર જવર માટે નથી.આ રસ્તાઓ માત્ર સામાન્ય વાહનોના અવરજવર માટે ઉપયોગમાં લેવાતા હોય છે. ભારે અને લોડિંગ વાહનો માટે સ્ટેટ અને નેશનલ હાઇવે હોય છે. લોડિંગ વાહનોના કારણે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓની સ્થિતિ બગડી છે, જેનું રિપેરીંગ ચાલુ છે.

