ગુજરાત: ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા બનાવાયા છે. શક્તિસિંહના રાજીનામા બાદ અનેક અટકળો ચાલી રહી હતી.પરંતુ આજે તે અટકળો પર પૂર્ણવિરામ મૂકાયો છે.
ગુજરાતના અનુભવી કોંગ્રેસી નેતા: તુષાર ચૌધરી ગુજરાતમાં રાષ્ટ્રીય કોંગ્રેસના એક જાણીતા અને અનુભવી રાજકારણી છે. તેમનો રાજકીય વારસો મજબૂત છે કારણ કે તેઓ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તુષાર ચૌધરીનો જન્મ 18 ડિસેમ્બર 1965માં સુરતના વાલોડ ગામના બેડકુવટામાં થયો હતો. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી MBBS નો અભ્યાસ કરીને તબીબી ક્ષેત્રે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે.
રાજકીય કારકિર્દીનો પ્રારંભ: તુષાર ચૌધરીએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ગુજરાત વિધાનસભાથી કરી હતી. 2002માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વ્યારા બેઠક પર ચૂંટાયા હતા. 2022માં પણ તેઓ ગુજરાત વિધાનસભામાં ખેડબ્રહ્મા મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા, જ્યાં તેમણે ભારતીય જનતા પાર્ટીના નજીકના હરીફ અશ્વિન કોટવાલને હરાવ્યા હતા.
લોકસભામાં પ્રતિનિધત્વ અને કેન્દ્રીય મંત્રીપદ: તુષાર ચૌધરીએ રાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ જગ્યા ઉભી કરી છે. 2004માં, તેઓ માંડવી મતવિસ્તારમાંથી 14મી લોકસભામાં ચૂંટાયા હતા.2009માં, બારડોલી મતવિસ્તારમાંથી 15મી લોકસભામાં ચૂંટાયા હતા. તેમણે કેન્દ્ર સરકારમાં મંત્રીપદ પણ સંભાળ્યા છે. 28 મે 2009 થી 28 સપ્ટેમ્બર 2012 સુધી તેઓ આદિવાસી બાબતના કેન્દ્રીય રાજ્યમંત્રી હતા. 28 સપ્ટેમ્બર 2012ના રોજ તેઓ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગોના કેન્દ્રીય રાજ્યમંત્રી બન્યા હતા.
2014 અને 2019ની ભારતની સામાન્ય ચૂંટણીઓમાં તેમણે બારડોલીથી ચૂંટણી લડી હતી પરંતુ બન્ને વખત તેમને હારનો સામનો કરવો પડયો હતો. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ તેઓ મહુવા મતવિસ્તારમાંથી હારી ગયા હતા. તેમ છતાં, 2022માં ખેડબ્રહ્મામાંથી તેમની જીત તેમના માટે રાજકીય રીતે એક મહત્વપૂર્ણ પુનરાગમન સાબિત થઇ છે.તુષાર ચૌધરીનો રાજકીય પ્રવાસ ભલે ઉતાર ચઢાવ ભરેલો રહ્યો હોય પરંતુ ગુજરાતમાં કોંગ્રેસના એક મજબૂત અને દમદાર ચહેરા તરીકે ઉભરી આવ્યા છે.

