ભરૂચ:ભરૂચ જિલ્લાના ઝઘડિયા નજીક મઢી નર્મદા કિનારે આવેલ સ્મશાનના સ્થળે યોગ્ય સુવિધાઓના અભાવે મૃતદેહોને અગ્નિદાહ આપવા આવતા લોકોને હાલાકી પડતી હોવાની વાતો સામે આવી છે. મળતી વિગતો અનુસાર ઝઘડિયા નજીકના મઢી નર્મદા કિનારે આવેલ આ સ્મશાન માટેની કામગીરી થોડા વરસ પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ અંદાજે ત્રીસેક લાખ રૂપિયાના ખર્ચે પુર્ણ થનાર આ કામગીરી શરૂ થયા બાદ અધુરી રહી છે. સ્મશાનના સ્થળે જે જરૂરી સુવિધાઓ ઉભી કરવાની હતી તેની કામગીરી અધુરી રહેતા તાલુકાની જનતા તકલીફ ભોગવી રહી છે.

સ્મશાનની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કામગીરી અધુરી કેમ છોડી દીધી ? સ્મશાનની અધુરી કામગીરી બાબતે સ્થાનિક નેતાગીરીનો વિવાદ કે અન્ય કોઇ કારણ જવાબદાર છે? એવા સવાલો તાલુકાની જનતામાં ઉઠી રહ્યા છે.ગમે તે કારણ હોય પરંતુ જનતાના નશીબમાં તો હાલ હાડમારી ભોગવવાનું જ લખેલ હોય એમ જણાય છે! આ સ્મશાનનો ઉપયોગ ઝઘડિયા સહિત વીસેક જેટલા ગામોના લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરવા કરે છે.સ્મશાનગૃહમાં શૌચાલય જેવી પૂરતી સુવિધાઓના અભાવે લોકો પરેશાન થઈ રહ્યા છે.

Decision News ને મળેલ માહિતી મુજબ મૃતદેહોને સ્નાન કરાવવા ઘણીવાર નીચે નર્મદામાંથી ડોલ ભરીને પાણી લાવવું પડતું હોવાની ચર્ચાઓ પણ સામે આવી છે,વળી સ્મશાને જવાના રસ્તા પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઇ રહેતું હોવાની સમસ્યા પણ જણાય છે. ત્યારે ઝઘડિયા પંથકની જનતા મઢી કિનારે આવેલ આ સ્મશાનની અધુરી કામગીરી તાકીદે પુર્ણ કરવા તંત્ર આગળ આવે તેવું ઇચ્છે છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here