ગુજરાત: વિકસિત ગુજરાત બનાવવાની સંકલ્પના સાથે આગળ વધી રહેલા રાજ્યમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવા, નવા બનેલા રસ્તા, પુલોની ખસ્તા સ્થિતિ અને જેની ખરેખર યોગ્ય રીતે મરામત થવી જોઇએ તેવા રસ્તા, પુલોની અયોગ્ય જાળવણીને કારણે સામાન્ય જનતાથી માંડીને વેપાર, ઉધોગને ગંભીર અસર પહોંચી છે. ત્યારે ‘AC કચેરીમાં બેસીને રિપોર્ટ બનાવી કોને ઉલ્લુ બનાવો છો ? ટેક્સમાંથી પગાર ચૂકવાય છે, તો પ્રજા પ્રત્યે જવાબદારી ખરી કે નહીં ?’
Decision News ને મળેલી માહિતી મુજબ ખાસ કરીને ગંભીરા બ્રિજ દુર્ઘટનાથી સરકાર પર માછલાં ધોવાયા છે તેને લઇને છેલ્લા એક સપ્તાહથી પંચાયતથી માંડીને રાજ્ય ધોરીમાર્ગ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર થાગડથીગડ, પુરાણ કરી રસ્તાઓને મોટરેબલ કરવા તેમજ જે બ્રિજની સ્થિતિ ગંભીર જણાઇ છે તેના પર ટ્રાફિક રોકવા અને અમુક બ્રિજ પર બંધ કરવાની ફરજ પડી છે.
આ સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે કેબિનેટમાં ભારે રોષ ઠાલવ્યો હતો અને વરિષ્ઠ અધિકારીઓને લાલ આંખ કરીને આવી લેથાર્જીને કોઇપણ રીતે નહીં ચલાવી લેવાય એમ સ્પષ્ટપણે સુણાવી દીધું હતું. સામાન્ય રીતે સૌમ્ય-મૃદુ સ્વભાવ, સદાય હસતા રહેતા મુખ્યમંત્રીના આવા રૌદ્ર રૂપથી કેબિનેટ સ્તબ્ધ થઇ ગઇ હતી.

