માંડવી: માંડવી નગરમાં શાળા કોલેજના સમયે ઘણા લબર મુછીયા બાઈક સવારોનો ત્રાસ વધી રહ્યો હતો ત્યારે માંડવી પીઆઇ એએસ ચૌહાણ કડક અભિગમ અપનાવી બાઈક સવારના ત્રાસમાંથી જનતાને મુક્ત કરવા અભિયાન શરૂ કરી અનેક બાઈક સવારોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
માંડવી નગર વિસ્તારમાં આવેલ શાળા કોલેજોના સમયે ઘણા નબીરાઓ પોતાની સ્પોર્ટ બાઈક લઈને ધૂમ સ્ટાઈલમાં ધૂમ મચાવતા હોય છે. ત્યારે સામાન્ય રાહદારીઓના જીવ જાણે પડીકે બંધાતા હોય છે.દિવસે દિવસે આવા નબીરાઓના વધી રહેલા ત્રાસ માંડવી પોલીસને ધ્યાનમાં આવતા માંડવી પી.આઈ એએસ ચૌહાણ દ્વારા માંડવી ટાઉન પોલીસ તૃષિત ચૌધરી સહિતની ટીમ બનાવી કોલેજ તથા શાળા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.
Decision News ને મળેલ માહિતી મુજબ વોચ ગોઠવી કરી હતી તે દરમિયાન પૂર ઝડપે દોડતા તથા ધ્વનિ પ્રદૂષણ કરતા 22 બાઈક સવારો ઝડપ્યા હતા જેમાંથી અમુક બાઈક સવારને કાગળ રજૂ કરતા દંડ પાવતી આપવામાં આવી હતી જ્યારે ઘણા નબીરાઓ કાગળિયા પણ રજૂ ન કરી શકતા બાઈકોને ડીટેઇન કરવામાં આવી હતી.આ અગાઉ પણ માંડવી પોલીસ દ્વારા અને નબીરાઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ રીતે બાઇક સવારના ત્રાસને દૂર કરવા માંડવી પોલીસે શરૂ કરેલી કવાયતની નગરજનો દ્વારા સરાહના કરવામાં આવી હતી.

