પારડી: વલસાડ જિલ્લાના પારડી તાલુકામાંથી 17 વર્ષની સગીરા ગુમ થવાની ઘટના સામે આવી છે. સગીરા વાપીની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. તે ગત14 જુલાઈના રોજ પોતાના ઘરેથી અચાનક ગાયબ થઈ ગઈ હતી.સગીરાના મોટાભાઈએ તેની શોધખોળ કરી.
આ દરમિયાન સગીરાના મોબાઈલથી તેના ભાઈને ફોન આવ્યો હતો. વાપીના તનવીર ખલીફા નામના યુવકે ફોન પર સગીરાના અપહરણની કબૂલાત કરી હતી. યુવકે ધમકી આપતા કહ્યું કે, “તારી બહેનને હું લઈ ગયો છું, થાય તે તું કરી લે!”સગીરાના ભાઈએ પારડી પોલીસ મથકે તનવીર ખલીફા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે સગીરાની શોધખોળ શરૂ કરી છે. આસપાસના વિસ્તારના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવાઈ રહી છે.
પોલીસ સગીરાની કંપનીના સાથી કામદારો અને તેની મિત્રોના નિવેદન નોંધી રહી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. સગીરાના પરિવારના સભ્યોની માંગ છે કે સગીરાને સલામત રીતે શોધવામાં આવે અને આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

