ડાંગ: ડાંગ જિલ્લાના વઘઇ-સાપુતારા માર્ગ પર આવેલ અંબિકા નદીના પુલ જર્જરિત હાલતમાં હોય ભારે વાહનો બંધ કરવામાં આવ્યા છે. લોડીંગ અને ભારે વાહનો વઘઈ માર્ગ થઈ આહવા માર્ગ પર ડાયવર્ટ કરતાં અકસ્માતોમાં વધારો નોંધાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Decision News ને મળેલ માહિતી મુજબ સોમવારે વહેલી સવારે આહવા વઘઈ માર્ગ પર ભવાનદગડ બસ સ્ટેશન પાસે એક પીકઅપ ગાડી પલટી મારી ગઇ હતી. ત્યારબાદ રાત્રે ભવાનદગડથી થોડે દૂર અન્ય એક ટ્રક પલટી મારી ગયાનું જાણવા મળ્યું હતું. આ ટ્રકને ક્રેઇન દ્વારા બહાર કાઢવા માટે આ માર્ગ પર અવર જવર કરતાં વાહનો અટકાવી દેવાતા કલાકો સુધી આ માર્ગ પર વાહનો અવરોધાયા હતા.મંગળવારે ફરી નડગખાદી ગામ પાસે જીપને ખાનગી લકઝરીએ ટક્કર મારી પલટાવી દીધી હતી અને તેના 15 મિનિટ બાદ એજ જગ્યા પર એક એસટી બસને ખાનગી લકઝરીએ ટક્કર મારતાં એસટી બસ રોડની સાઈડે ઉતરી ગઈ હતી. આ જ માર્ગ પર બપોરે મુળચોંડ ગામ પાસે ભયજનક વળાંક પાસે એક કાર રોડની સાઇડે ઉતરી ગયાનું જાણવાં મળ્યું છે.

મળેલ માહિતી મુજબ આ તમામ અકસ્માતમાં સામેથી આવતાં ભારે વાહનો જેવા કે ખાનગી લકઝરી તેમજ મોટી ટ્રકોના ચાલકો ઝડપી હંકારી સામેથી આવતાં વાહનોને અડફેટમાં લેતા આવા અકસ્માત સર્જાયા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here