ભરૂચ: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક તવડી ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિધ્યાર્થીઓ પાસે કામ કરાવાતું હોવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. મળતી વિગતો મુજબ તવડી પ્રાથમિક શાળામાં એક બાળકને બાથરૂમ સાફ કરવાની કામગીરી સોંપવામાં આવતા હેન્ડપંપ પર પાણી લેવા ગયેલ બાળકને હેન્ડપંપ વાગતા બાળકને આંગળીઓ પર ગંભીર ઇજા થઇ હતી.
Decision News ને મળેલ માહિતી મુજબ બાળક ઇજાગ્રસ્ત થયા બાદ તેને બપોરના ત્રણ વાગ્યા સુધી શાળામાં બેસાડી રાખ્યો હતો અને કોઇ સારવાર કરાવી ન હતી એવો આક્ષેપ આ વિધ્યાર્થીની માતાએ મિડીયા સમક્ષ કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાનો અહેવાલ મિડિયાના માધ્યમથી પ્રકાશિત થતાં તેને લઇને તાલુકા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું,અને આને લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ઝઘડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને શાળાની મુલાકાત લઇને ઘટના બાબતે તપાસ કરવા આદેશ આપ્યો હતો,દરમિયાન આજરોજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી.
તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી જલ્પાબેન વટાણાવાળાએ જણાવ્યું કે આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવશે અને સંબંધિતોના નિવેદનો પણ લેવાશે,ત્યારબાદ તપાસનો અહેવાલ ઉપલા સ્તરે પહોંચાડવામાં આવશે. ઉલ્લેખનીય છેકે માતાપિતા પછી બાળકની કાળજી લેનાર કોઇ હોયતો તેમાં શિક્ષકનો સમાવેશ કરી શકાય,અને તવડી ગામની પ્રાથમિક શાળામાં વિધ્યાર્થી પાસે બાથરૂમ સાફ કરાવવા જેવી કથિત કામગીરી કરાવાય અને બાળકને હેન્ડપંપથી ઇજા થાય ત્યારે આવી ઘટના શિક્ષણ જગત માટે શરમજનક ગણાય એમાં ના નહિ !

