રાજપીપળા: રાજપીપળામાં કરજણ ડેમના ઉપરવાસના વિસ્તારમાં આવેલું માંડણ ગામ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. ડુંગરો અને લીલોતરીની વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણતા હોય છે. માંડણ ગામે આણંદથી ફરવા આવેલાં એક પરિવારે રસ્તો પાણીમાં ગરકાવ હોવા છતાં તેના પરથી ગાડી પસાર કરવાનો પ્રયાસ કરતાં આખો પરિવાર પાણીના પ્રવાહ વચ્ચે ફસાઇ ગયો હતો.
ડ્રાઇવરે કાર ચાલુ કરવાના પ્રયાસો કર્યા પણ કાર ચાલુ જ થતી ન હતી. ગામના લોકોને ઘટનાની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી ગયાં હતાં અને થાર ગાડીમાં ફસાયેલાં પરિવારને ઉંચકીને પાણીમાંથી બહાર લાવ્યાં હતાં. ગામમાંથી અન્ય વાહન બોલાવીને થારને પણ પાણીમાંથી બહાર કાઢી હતી. માંડણ ગામમાં ચોમાસાની ઋતુમાં સેંકડો પ્રવાસીઓ ફરવા માટે આવતાં હોય છે.
Decision News ને મળેલ માહિતી મુજબ થાર કારમાં સવાર યુવાનોએ સ્ટંટ કરવા માટે કારને પાણીમાં ઉતારી હતી, પરંતુ કારનો અડધો ભાગ પાણીમાં ડૂબી ગયો અને પાણીની વચ્ચે જ બંધ થઈ ગયો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે કાર સ્ટાર્ટ ન થઈ અને લોકો તેમાં ફસાઈ ગયા.

