ધરમપુર: આજે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની 16મી સ્થાપના વર્ષગાંઠનો દિવસ છે, જે સમાજસેવાના અમારા સંકલ્પને વધુ મજબૂત કરે છે. શ્રી નિલમભાઈએ 19 વર્ષ પૂર્વે સમાજના કલ્યાણ માટે જે સેવાનો પાયો નાખ્યો, તે 2009માં લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના રૂપમાં સાકાર થયો. આજે આ સેવાયજ્ઞની જ્યોત 16 વર્ષથી અખંડ પ્રજવલિત છે, અને અમે ગૌરવ સાથે 17મા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ.
ટ્રસ્ટી અજય પટેલ જણાવે છે કે લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને પર્યાવરણના ક્ષેત્રોમાં સમાજના છેવાડાના માનવીની સેવા માટે સમર્પિત છે. અમારો ધ્યેય ટકાઉ અને સમાજોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા સમાજના ઉત્થાન માટે અવિરત કાર્ય કરવાનો છે. આ સફરમાં અમે શિક્ષણ દ્વારા જ્ઞાનનો પ્રકાશ, આરોગ્ય દ્વારા સુખાકારી, કૃષિ દ્વારા સમૃદ્ધિ અને પર્યાવરણ દ્વારા ટકાઉ ભવિષ્યનું નિર્માણ કરવા પ્રયાસરત છીએ.
આ સેવાયાત્રામાં અમારી સાથે જોડાયેલા તમામ સ્વયંસેવકો, દાતાઓ, શુભેચ્છકો અને સમર્થકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ. તમારા સહયોગ અને પ્રેરણા વિના આ યજ્ઞની જ્યોત આટલી પ્રખર ન બની શકી હોત. તમારું દરેક યોગદાન—ભલે તે સમય, શ્રમ કે સંસાધનોનું હોય—અમને વધુ ને વધુ લોકો સુધી પહોંચવાની શક્તિ આપે છે.
લોકમંગલમ ટ્રસ્ટના સંસ્થાપક નીલમ પટેલ જણાવે છે કે આ 16મી વર્ષગાંઠના અવસરે અમે પુનઃ સંકલ્પ લઈએ છીએ કે આ સેવાની ધૂણીને વધુ પ્રજ્વલિત કરીશું. સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે, ખાસ કરીને જેઓ સૌથી વધુ વંચિત છે, તેમના માટે અમે અવિરત કાર્ય કરીશું. આવો, સૌ સાથે મળીને આ સેવાયજ્ઞને નવી ઊંચાઈઓ પર લઈ જઈએ અને સમાજના કલ્યાણનું સ્વપ્ન સાકાર કરીએ

