વલસાડ: “રોડ નહીં તો ટોલ નહીં”ના નારા સાથે ગતરોજ વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે 48 અને અન્ય જાહેર માર્ગોની ખરાબ સ્થિતિને લઈને કોંગ્રેસે બગવાડા ટોલનાકા પર જન આક્રોશ રેલીનું આયોજન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ટોલનાકા પર બેસી જઈ રસ્તાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી આપવા લાગ્યા હતા. બાદમાં પોલીસ સાથે ઘર્ષણ ના દ્રશ્યો પણ સર્જાયા હતા. તેમની મુખ્ય માંગણી વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજીથી હાઇવે સુધારવાની ખાલી જાહેરાતો, નિશ્ચિત સમયમર્યાદાનો અભાવ અને પાટીયા-ફૂટફાટ રસ્તાની ખરાબ સ્થિતિ સુધારવાની હતી.
ટોલ પ્લાઝાના અધિકારીને બંગડી આપી રસ્તા પરના ખાડા ન પૂરવાને લઈને વલસાડ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખે ટોણો માર્યો હતો. 62 કિલોમીટર હાઇવે પર વરસાદમાં પડેલા ખાડા પુરવાની માંગ કરી હતી. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશનભાઈ પટેલે કહ્યું કે ભાજપ સરકારના ભ્રષ્ટાચારને કારણે રસ્તાઓ અને પુલોની હાલત બગડી છે. નેશનલ હાઇવે 48 પર પડેલા ખાડાઓના કારણે એક યુવાનના મોત પછી પણ સરકાર ગંભીર નથી.

