વલસાડ: વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 પર પડેલા ખાડાઓની મરામત માટે NHAI ની ટીમો કાર્યરત થઈ છે. તાજેતરના વરસાદને કારણે 62 કિલોમીટર લાંબા હાઈવે પર અનેક જગ્યાએ ખાડાઓ પડયા હતા. આ બિસ્માર રસ્તાને કારણે લાખો વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

વલસાડ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ટેક્સી એસોસિએશને બગવાળા ટોલ પ્લાઝા ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ‘રોડ નહીં તો ટોલ નહીં’ના નારા સાથે NHAI અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી. રોજના લાખો વાહન ચાલકો ટોલ ચૂકવે છે, પરંતુ પાયાની સુવિધાઓના અભાવે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.ખાડાઓને કારણે અનેક અકસ્માતો પણ નોંધાયા છે.

પારડી બ્રિજ પર એક બાઈક ચાલકે ખાડાને કારણે સંતુલન ગુમાવતા કન્ટેનરના પાછળના ટાયર નીચે આવી જતાં તેનું મૃત્યુ થયું હતું. મૃતકના પરિવારજનોએ બિસ્માર રસ્તાને અકસ્માત માટે જવાબદાર ઠેરવ્યો હતો.જિલ્લા કલેક્ટરે તાજેતરમાં જાહેરનામું બહાર પાડીને NHAIને 10 દિવસમાં તમામ ખાડા પુરવાનો આદેશ આપ્યો છે. વરસાદમાં ડ્રાય સીલ મળતાં NHAIની વિવિધ ટીમો દિવસ-રાત કામ કરીને રસ્તાની મરામત કરી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here