ગુજરાત: રાજ્યમાં પ્રવર્તમાન ચોમાસાની મોસમને પરિણામે જે માર્ગોને નુકસાન થયું છે, તેને પુન:મોટરેબલ કરવા માટે રાજય સરકારે પ્રો-એકટીવ અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ તમામ ક્ષતિગ્રસ્ત રસ્તાઓ ઝડપથી પૂર્વવત થાય એ માટે માર્ગ અને મકાન વિભાગને ચોકકસ દિશા નિર્દેશો આપીને સત્વરે કામો પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. જે અનુસંધાને હાલમાં આ કામો રાજ્યભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત કાર્યરત “ગુજમાર્ગ’ એપ્લિકેશન પર અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી કુલ 10 હજાર કરતાં વધુ નાગરિકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ એપ્લિકેશન થકી નાગરિકો દ્વારા કુલ 3632 જેટલી ફરિયાદો કરવામાં આવી છે, જેમાંથી 99.66 ટકા સાથે 3620 ફરિયાદોનું સકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું છે. જ્યારે બાકીની 7 જેટલી ફરિયાદો પર કામગીરી પ્રગતિમાં છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા મળેલ માહિતી અનુસાર રાજયમાં રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ અને અન્ય માળખાગત સુવિધાઓ અંગેની સમસ્યાઓના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે વિભાગ દ્વારા “ગુજમાર્ગ’ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે, જેના પર નાગરિકોને પોતાના વિસ્તારમાં પડતી સમસ્યાઓની જાણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.”ગુજમાર્ગ’ એપ્લિકેશન મુખ્યત્વે ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની સ્થિતિ, પુલ અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો નોંધાવવા માટે વિકસાવવામાં આવેલી એક એપ્લિકેશન છે. આ એપ્લિકેશન દ્વારા નાગરિકો રસ્તાઓ પરના ખાડા, ક્ષતિગ્રસ્ત પુલ વગેરે જેવી સમસ્યાઓની જાણ સંબંધિત અધિકારીઓને કરી શકે છે, જેથી આ સમસ્યાઓનો ઉકેલ સત્વરે લાવી શકાય.
પ્લે સ્ટોર પર એપ ઉપલબ્ધ: ગુજ માર્ગ એપ્લિકેશન (Guj Marg Application)નો મુખ્ય ઉદ્દેશ ગુજરાતના નાગરિકોને રસ્તાઓ, પુલો અને અન્ય માળખાકીય સુવિધાઓ સંબંધિત ફરિયાદો સીધા માર્ગ અને મકાન વિભાગ સુધી પહોંચાડવા માટે એક સરળ પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. જેમાં નાગરિકો પોતાના વિસ્તારના રસ્તાઓની ખરાબ સ્થિતિ, ખાડા, પુલોને નુકસાન કે અન્ય માળખાકીય સમસ્યાઓ વિશે ફરિયાદ નોંધાવી શકે છે.આ એપ્લિકેશનમાં ફરિયાદની સાથે ફોટોગ્રાફ્સ પણ અપલોડ કરવાની સુવિધા ઉપલબ્ધ છે. જેના આધારે સંબંધિત અધિકારીઓ દ્વારા ફરિયાદો પર સત્વરે કાર્યવાહી કરવામાં આવે છે. આ ઉપરાંત નોંધાવેલ ફરિયાદની સ્થિતિ-સ્ટેટસ શું છે તે પણ નાગરિકો આ એપ થકી તપાસી શકે છે.

