વલસાડ: વલસાડ જિલ્લામાં ભારે વરસાદના પગલે રસ્તાઓને ભારે નુકસાન પહોંચ્યું છે.જ્યારે અનેક બ્રિજ પર ખાડા પડી ગયા છે.વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લેતાં જિલ્લામાં જે બ્રિજ જર્જરિત અવસ્થામાં હતા તેને બંધ કરવા કલેકટર ભવ્ય વર્માએ આરએન્ડબી સ્ટેટ પંચાયત અને હાઇવે પ્રોજેક્ટ ડાયરેકટર સાથે સળંગ બેઠકો કરી બ્રિજોની સ્થિતિનો તાગ લીધો છે.

જેના અંતે જિલ્લાના 5 બ્રિજ પૈકી 4 બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા નિર્ણય કરાયો છે.જ્યારે વલસાડની ઔરંગાનદી પર લીલાપોર બ્રિજને હવે માત્ર ટુ વ્હીલરને અવરજવરની છુટ આપવામાં આવી છે. વલસાડ જિલ્લામાં નેશનલ હાઇવે નં.56 અને 48 પર બ્રિજો અંગે કલેકટર ભવ્ય વર્માએ સ્ટેટ આરએન્ડીબી,જિલ્લા પંચાયત આરએન્ડબી,નેશનલ હાઇવે પ્રોજેક્ટ ડાયરેકટર સાથે બે દિવસથી બેઠકોનો દૌર ચાલી રહ્યો છે.

Decision news ને મળેલ માહિતી મુજબ બ્રિજોની સ્થિતિ અંગે કલેકટર ભવ્ય વર્માએ અધિકારીઓ પાસે અહેવાલો મગાવી બેઠકમાં ચર્ચા વિચારણા કરી જિલ્લાના 5 બ્રિજ માટે મહત્વનો નિર્ણય કર્યો છે.આ 5 પૈકીના વલસાડ નજીકથી પસાર થતી ઔરંગા નદીના લીલાપોરનો 4 વર્ષથી ભારે વાહનો માટે હાલમાં બંધ છે તેને હવે લાઇટ ફોર વ્હીલર માટે પણ બંધ કરાયો છે,તેના પર માત્ર ટુ વ્હીલર વાહનોને જ છુટ આપવામાં આવી છે.

કુલ 5 બ્રિજ માટે કલેકટર ભવ્ય વર્મા દ્વારા ભારે હળવા વાહનો માટે નિર્ણય કરાયો છે તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ કાર્યવાહી થઇ રહી છે.

જિલ્લાના 5 બ્રિજો માટે આ નિર્ણય

1.ધરમપુર તાન રિવર બ્રિજ-ખુબ નબળી હાલતમાં, ભારે હળવા વાહનો માટે બંધ

2.કરંજવેરી માન નદી બ્રિજ- હેવી વ્હીકલ માટે બંધ થાય છે

3. કોલકનદી બ્રિજ- હેવી વ્હીકલ માટે બંધ,લાઇટ વ્હીકલનો નિર્ણય થશે

4. રાતા નદી બ્રિજ- હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવે છે

5. વલસાડ લીલાપોર બ્રિજ- માત્ર દ્વિચક્રિય વાહનોને છુટ

પુલની ડ્યુરેબિલિટીનું પરીક્ષણ કરાશે: જિલ્લામાં કુલ 235 બ્રિજ છે જેમાં 65 મેજર કેટેગરીના છે,175 માઇનોર છે.જિલ્લાના 5 બ્રિજના લોકેશન રિપોર્ટ બાદ વાહનોની અવરજવર અંગે નિર્ણય લેવાયા છે.જે પૈકી પારનદીનો નવો બ્રિજ ચાલુ છે જ્યારે જૂનો બ્રિજ છે તેની ડ્યુરેબિલિટીનું પરીક્ષણ કરવામાં આવશે.ત્યારબાદ રિપોર્ટ બાદ નક્કી કરાશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here