વાલિયા: વાલિયા તાલુકામાં 10 જુલાઈના રોજ વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં આવેલા કોંઢ અને દોડવાડા ગામના વચ્ચે રોડ પર આવેલા નાળાની અંદર, ચાદર અને બ્લેન્કેટમાં વીંટાળી એક અજાણી મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
વાલિયાના હત્યાકેસમાં આરોપી અને મૃતક મહિલા એક મેટ્રિમોનિયલ સાઇટ પરથી મળ્યાં હતાં અને પાંચ વર્ષ પહેલાં લગ્નબંધનમાં બંધાયાં હતાં. બંનેની જીવનસફરમાં સાથીદાર બનવાનો ઈરાદો આજે કરુણ ઇતિહાસ બની ગયો છે. મૃતક મહિલાનો લોહીલુહાણ થયેલો મૃતદેહ નાળામાંથી મળે છે અને ગણતરીના કલાકોમાં ખુલાસો થાય છે કે હત્યારો કોઈ અજાણ્યો નહી, પણ પતિ પોતે છે.આ સમગ્ર મામલે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણાએ જણાવ્યું હતું કે રાજેન્દ્ર શ્રીવાસ્તવએ રુચિ સાથે બીજા લગ્ન કર્યા હતા. તેઓ બંને એક મેટ્રિમોનિયલ સાઇટ પર મળ્યાં બાદ તેમણે લગ્ન કર્યાં હતાં. તેમના લગ્ન કર્યાને પાંચ વર્ષ જેટલો સમય થયો હતો. બંનેને એક ચાર વર્ષનો પુત્ર પણ છે.
આ અંગે ઝઘડીયા ડીવાયએસપી અજયકુમાર મીણાના માર્ગદર્શન મુજબ વાલીયા પીઆઈ એમ.બી.તોમર અને LCBના જવાનો સાથે વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. ગુના સ્થળ પરથી લોહી લાગેલા કપડાં તેમજ મૃતકનું ફોટો સ્થાનિક વ્હોટ્સએપ ગ્રુપમાં ફેલાવાતા, માહિતી મળી કે મૃતક મહિલા અંકલેશ્વર GIDC વિસ્તારની રહેવાસી હતી.અંકલેશ્વર GIDC પોલીસના PI આર.એચ. વાળાની ટીમે મૃતકના રહેઠાણે તપાસ કરી હતી. તે સમયે જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા નિયમ ચોકડી પાસેની શિવકૃપા બંગ્લોઝમાં રહે છે. પોલીસે તે સ્થળે તપાસ કરતા ત્યાં રાજેન્દ્ર રામચંદ્ર શ્રીવાસ્તવ મળી આવ્યો હતો. તેને આ મહિલા વિશે પૂછતાછ કરતા તે તેની પત્ની રૂચિ હોવાનું જણાવ્યું હતું.
રાજેન્દ્રની વધુ કડક પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે,ઘરમાં તેની પત્ની રૂચિ સાથે રોજની કોઈને કોઈ બાબતોથી થતી ઘરકંકાસથી કંટાળી આવેશમાં આવી તેણે 9મી જુલાઈના રાત્રિના માતાજીના પૂજા કરવાની કરતાર વડે ગળાના ભાગે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ રાત્રિના મૃતદેહને ચાદરમાં લપેટી કારમાં મૂકી કોંઢ ગામના નાળા નીચે ફેંકી ઘરે આવી ગયો હોવાની કબૂલાત કરી હતી.કોંઢ ગામના નાળા નીચે ફેંક્યાની કબૂલાત બાદ આ મામલે હાલમાં તો આરોપી રાજેન્દ્ર શ્રીવાસ્તવની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હત્યા કરાયેલા કરતાર અને મૃતદેહ ફેંકવા માટે ઉપયોગમાં લીધેલા વાહન કબ્જે કરવાની તજવીજ હાથ ધરી છે.

