સુરત: આજેરોજ સવારે સુરત જિલ્લામાંથી સુરત સ્ટેશન તરફ આવતી એસટી બસને અકસ્માત નડયો હતો. એસટી બસના ડ્રાઈવરે સહારા દરવાજા નજીક બે બાઈકને અડફેટે લીધી હતી. અતિવ્યસ્ત એવા રસ્તા ઉપર અકસ્માત થતાં આસપાસના વાહન ચાલકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરત જિલ્લાના અલગટ ગામથી મુસાફરો લઈને એસટી બસ સુરત સ્ટેશન પહોંચી રહી હતી. સુરત સ્ટેશન ઉપર પહોંચે તે પહેલા જ શહેરા દરવાજા પર જ અકસ્માતની ઘટના બની હતી. Decision News ને મળેલી માહિતી અનુસાર સહારા દરવાજા ગરનાળા પાસે એસટી બસે બે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા એકને પગના ભાગે ફેક્ચર થયું હતું. સ્મીમેર હોસ્પિટલની નજીક જ ઘટના બનતા ઇજાગ્રસ્તને ગણતરીની મિનિટોમાં જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ એસટી બસનો ચાલક બે મોટર સાયકલને અડફેટે લીધા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. જ્યાં ડ્રાઈવરે બસની બ્રેક એકાએક ફેલ થઈ હોવાની વાત કરી હતી. જોકે હવે ઘટના બાદ ખરેખર બસની બ્રેક ફેલ હતી કે અન્ય કોઈ કારણ હતું, તે અંગે આરટીઓ ઇન્સ્પેક્ટર તપાસ કરશે. બાદમાં આ સહિતની ટેકનીકલ બાબતોની માહિતી એકત્રિત કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here