વલસાડ: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ GIDCમાં આવેલી જીવન કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉનમાં આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. આગ લાગ્યા સમયે કંપનીમાં નાઈટ શિફ્ટ બંધ હોવાથી કોઈ કામદાર હાજર ન હતો. આથી મોટી જાનહાની ટળી હતી.
આજુબાજુની કંપનીના કામદારો અને જીવન કેમિકલના સિક્યુરિટી જવાને તરત જ આગની જાણ કરી. કંપનીના સંચાલકો અને ફાયર ફાઈટર ટીમોને તુરંત બોલાવવામાં આવ્યા. ભિલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી.સરીગામ સહિત કુલ 6 ફાયર ફાઈટરની ટીમોએ સવારે 8:30 વાગ્યા સુધી સતત પ્રયત્નો કરી આગ પર કાબૂ મેળવ્યો હતો.
કેમિકલ ભરેલા ગોડાઉનમાં આગ લાગવાથી મોટા પ્રમાણમાં મટીરિયલ બળીને ખાખ થયો છે.આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી. FSL ટીમ આગના કારણોની તપાસ કરશે. કોઈ જાનહાની ન થતાં કંપની સંચાલકો અને તંત્રએ રાહત અનુભવી છે. આગથી થયેલા નુકસાનનો અંદાજ તંત્ર દ્વારા કાઢવામાં આવશે.

